શિવરંજની ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ફરી વળી કાર ઘટનામાં 1 મહિલાનું મોત
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર માટે કાર કાળનો કોળિયો બનીને આવી હતી. તારીખ 28 જૂન સોમવારની મોડી રાત્રે ફૂટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવારને કારચાલકે અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે.. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે, તો 3 બાળકો સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શ્રમજીવી પરિવારને અડફેટે લીધા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર કાર મૂકી ફરાર થઇ ગયો છે.
સોમવારની મોડી રાત્રે શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર શ્રમજીવી પરિવાર સૂઇ રહ્યો હતો. ત્યારે ઝરમર વરસતા વરસાદ વચ્ચે કાળ બનીને આવેલી આઇ20 કાર તેમના પર ફરી વળી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયુ છે અને ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને લઇને શ્રમજીવી પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કારચાલક કોણ હતો અને કાર કોની માલિકીની છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.