યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા જ રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યા હતા. રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. માત્ર દોઢ ઈંચ વરસાદમાં તંત્રને પોલ ખુલી હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.
વિરપુરમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. આથી વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. વિરપુરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ત્રીજા દિવસે વિરપુરમાં મેઘસવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.
વિરપરમાં ૧૮ જૂને સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધીધીધારે વરસાદ વરસી પડ્યો હતો. જે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ૧૯ જૂનના રોજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે દોઢ કલાક મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેને લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને વિરપુરના રોડ રસ્તાઓ જાણે નદીઓની જેમ પાણી પાણી થયા હતા.