કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયોમાં તળિયા દેખાયા
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ભરઉનાળે હવે પાણીની સમસ્યા પણ સામે દેખાઈ રહી છે. હજી તો ચોમાસુ અને એકથી દોઢ મહિનાની વાર છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો તળિયા ઝાટક દેખાઈ રહ્યા છે. કોરોના મહામારીમાં પાણીની સમસ્યા વિસરાઈ ગઈ છે. તંત્રનું સમગ્ર ધ્યાન કોરોનાની કામગીરીમાં રોકાયુ છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જળાશયો આકરા ઉનાળાનાં હજુ દોઢેક મહિનો કાપવાનો બાકી છે.
સિંચાઈ વિભાગનાં ૧૪૦ જળાશયોમાં હાલ માત્ર ૩૦ ટકા જ પાણી બચ્યુ છે અનેક ડેમોનાં તળિયા દેખાઈ ગયા હોય ડેમ આધારિત પાણી યોજના હેઠળનાં ગામોમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ગત વર્ષે ચોમાસામાં મેઘરાજા મહેરબાન થયા હોવાથી સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓનાં જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. પરંતુ આ વર્ષે ઉનાળાની શરુઆતમાં જ જળાશયોમાં ૫૦ ટકા જેટલો પાણીનો પુરવઠો રહયો હતો. ચોમાસાને હજુ દોઢેક મહિનો બાકી છે અને હાલ આકરી ગરમી પડી રહી છે. ત્યારે જળાશયોમાં હવે માત્ર ૩૦ ટકા જેટલો જ જથ્થો બાકી રહયો છે.
સૌથી વધુ વિકટ સ્થિતિ દેવભૂમી દ્વારકાની છે. આ જિલ્લાનાં જળાશયોમાં માત્ર ૪.૬૪ ટકા જ પાણીનો જથ્થો છે. જcornaયારે જામનગર જિલ્લામાં ૨૦ ટકા, પોરબંદર જિલ્લામાં ૨૨ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ડેમોમાં ૨૨ ટકા જ પાણી બચ્યું છે. રાજકોટ જિલ્લાનાં સિંચાઈ હસ્તકનાં ડેમોમાં હાલ ૩૪ ટકા, અમરેલી જિલ્લામાં ૪૧ ટકા, ગીર સોમનાથ ૩૯ ટકા જૂનાગઢમાં ૩૨ ટકા, મોરબી ૪૦ ટકા, બોટાદમાં ૨૪ ટકા અને ભાવનગર જિલ્લાનાં ડેમોમાં માત્ર ૩૦ ટકા જ પાણીનો જથ્થો હાલ બચ્યો છે.
અનેક જળાશયોમાંથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું હોય પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે. દ્વારકા અને જામનગર પંથકનાં અનેક ગામો અને શહેરોમાં બે – ત્રણ દિવસે પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે દ્વારકામાં પણ પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે.
દરમિયાન ભાદર – ૧ સહિતનાં ડેમોમાંથી પીવાનું પાણી અનામત રાખીને સિંચાઈ માટે તા. ૧૫ મે બાદ પાણી આપવાનું આયોજન કરવામાં આવી રહયુ છે. ભાદરમાંથી રાજકોટને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે.