ગુજરાત સ્થાપના દિન : ગરબા, ગાંઠિયા, મનમોજીલા માણસો જેની ઓળખ છે તેવા ગુજરાતનો આજે સ્થાપના દિવસ
ગરબા, થેપલા, ખાખરા, ગાંઠિયા, ઢોકળા, મનમોજીલા માણસો અને ખમીરવંતી માણસો- આ તમામ વસ્તુ જેની ઓળખ છે, તેવા ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિન છે.
1 લી મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ જ દિવસે મહારાષ્ટ્ર ની પણ સ્થાપના કરવામા આવી હતી. દર વર્ષે ગુજરાત દિવસની ઉજવણી રૂપે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમકે સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્ય સંબધિત ગોસઠીઓ, વિશ્વ અને ઇતિહાસલક્ષી પરિ સંવાદ, લોક સંસ્કૃતિને ઉજાગર કરતા અવનવા કાર્યક્રમો થતા હોય છે, પણ આ વખતે કોરોના કાળ ને લીધે સામાન્ય રીતે ઉજવણી થશે..
ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ પ્રમાણે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.
ગુજરાત સરકારે આ દિવસને “ગુજરાત ગૌરવ દિવસ” તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
મહા ગુજરાત આંદોલનના સૂત્રધાર ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુચાચા. તેમની ગુજરાત નિર્માણમાં વિશેષ ભૂમિકા રહી હતી.
ગુજરાત તેના એશિયાઇ સિંહો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાત તેની ભાતીગળ સંસ્કૃતિ માટે ખાસ કરીને તેના પારંપારિક રાસ ગરબા અને આદિવાસી નૃત્યો માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. અત્યારે ગુજરાત રાજ્ય સમગ્ર ભારત દેશમાં ઘણી બાબતોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.