CETPમાં ઉદ્યોગોના ગંદા પાણીના જથ્થાની હેરફેર માટે GPCBનો નવો પ્રોટોકોલ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) સાથે જોડાયેલા ઉદ્યોગો વચ્ચે ફાળવાયેલા ગંદા પાણીના જથ્થા એટલે કે Hydraulic Loadના ટ્રાન્સફર માટે નવો પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. GPCBના ગાંધીનગર સ્થિત મુખ્ય કાર્યાલય દ્વારા 10 સપ્ટેમ્બર, 2026ના રોજ મંજૂર કરાયેલા આ આદેશમાં ઉદ્યોગને ફાળવવામાં આવેલા અથવા બુક કરાયેલા Hydraulic Loadને અન્ય સભ્ય ઉદ્યોગમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ CETPના સભ્યપદના ટ્રાન્સફરને પણ આવરી લેવામાં આવ્યું છે.

નવા પ્રોટોકોલ મુજબ Hydraulic Load અથવા સભ્યપદના ટ્રાન્સફરની અરજી સંબંધિત CETPની Governing Body સમક્ષ કરવાની રહેશે. આ સંસ્થા દ્વારા દરખાસ્ત અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને વાંધા-સૂચનો મંગાવવાના રહેશે. ત્યારબાદ અરજી અને મળેલા વાંધાઓને Regional Hydraulic Load Transfer Committee (RHLTC) સમક્ષ રજૂ કરવાના રહેશે. આ સમગ્ર પ્રક્રિયામાં CETP દ્વારા મૂળ CTE અથવા CCA મેળવતી વખતે રજૂ કરવામાં આવેલી Base Membership Listને આધાર તરીકે ધ્યાનમાં લેવાની રહેશે.

RHLTCમાં CETPના CEO અથવા Governing Bodyના ઉચ્ચતમ હોદ્દેદાર કન્વીનર તરીકે રહેશે. ઉપરાંત GPCBના Regional Officer, સંબંધિત ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિ, લાગુ પડતું હોય તો Notified Area Authorityના Chief Officer અને GIDCના Regional Managerનો સમાવેશ થશે. Load ટ્રાન્સફર કરનારા અને મેળવનારા બંને ઉદ્યોગોના માલિક અથવા અધિકૃત પ્રતિનિધિઓ તેમજ GPCBના Regional Officer દ્વારા પસંદ કરાયેલા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાના એક પ્રોફેસરને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ પ્રોટોકોલમાં સૌથી મહત્ત્વપૂર્ણ શરત એ છે કે Hydraulic Loadના ટ્રાન્સફર બાદ CETPની કુલ મંજૂર Hydraulic Capacityમાં વધારો થઈ શકશે નહીં. સાથે જ CETPના Inlet પર આવતા પ્રદૂષણના ભારમાં પણ વધારો ન થવો જોઈએ. બંને ઉદ્યોગોની CTE અને CCAની શરતોને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારાની ભલામણ કરવાની રહેશે. CPCB દ્વારા Water Act, 1974ની કલમ 18(1)(b) હેઠળ આપવામાં આવેલા નિર્દેશો તથા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની 9 સપ્ટેમ્બર, 2024ની Notification No. S.O. 3864(E)માં CETP સંચાલક સંસ્થાઓ અને સભ્ય ઉદ્યોગોની જવાબદારીઓ અંગે કરાયેલી જોગવાઈઓનું પાલન પણ તપાસવાનું રહેશે.

સમિતિએ તમામ પાસાંઓની સમીક્ષા કર્યા બાદ પોતાની ભલામણ તમામ સભ્યોની સહી સાથે CETPની Governing Bodyને મોકલવાની રહેશે. ત્યારબાદ Governing Body ભલામણો પર વિચારણા કરીને અંતિમ નિર્ણય લેશે અને મંજૂર થયેલા ફેરફાર મુજબ સભ્ય યાદીમાં સુધારો કરશે. GPCBના ચેરમેન દ્વારા મંજૂર કરાયેલા આ પ્રોટોકોલથી CETPમાં Hydraulic Loadના ટ્રાન્સફર માટે જાહેર વાંધા, ટેકનિકલ સમીક્ષા અને પર્યાવરણીય નિયમોના પાલનને એક નિર્ધારિત પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

જીપીસીબીના આ ઓર્ડરને વાંચવા માટે અહીં ક્લિક કરો.