GPCBનો મોટો નિર્ણય: હવે CCA Renewal નહીં, માત્ર Extension Fee ભરવાથી જ Consent ચાલુ રહેશે
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈનનો ગુજરાતમાં અમલ, ઉદ્યોગોને મળશે મોટી રાહત; પર્યાવરણના નિયમોમાં કોઈ છૂટ નહીં
ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ રાજ્યના ઉદ્યોગોને લગતો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે Consolidated Consent and Authorization (CCA) માટે દર વખતે Renewal કરાવવાની જરૂર નહીં રહે. તેના બદલે ઉદ્યોગોએ માત્ર Extension Fee ભરવાની રહેશે. આ નવી વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા વર્ષ 2025 અને 2026માં જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો છે.
અગાઉ દરેક ઉદ્યોગને CCAની મુદત પૂર્ણ થયા બાદ Renewal માટે અરજી કરવી પડતી હતી. તેની સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરીને મંજૂરી મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. હવે આ સમગ્ર પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. તેના બદલે ઉદ્યોગોએ XGN Portal પર ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત Extension Fee ભરવાની રહેશે. ત્યારબાદ GPCB ઉદ્યોગની વિગતોની ચકાસણી કરીને Extension Fee Payment Acknowledgement આપશે, જેમાં આગામી Fee Cycle અને આગામી ચુકવણીની તારીખ પણ દર્શાવવામાં આવશે.
GPCBના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થા રાજ્યમાં Ease of Doing Business (EoDB)ને વધુ પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયથી Consent Renewalની પ્રક્રિયા સરળ બનશે, દસ્તાવેજી કામગીરી ઘટશે અને ઉદ્યોગોનો સમય બચશે. આ નવી વ્યવસ્થા માત્ર નવા ઉદ્યોગો માટે જ નહીં પરંતુ હાલમાં CCA ધરાવતા તમામ ઉદ્યોગોને પણ લાગુ પડશે. હવે તમામ પાત્ર ઉદ્યોગોએ Renewalને બદલે Extension Fee ભરવાની રહેશે.
GPCBએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. પર્યાવરણના નિયમો, CCAની શરતો તેમજ હવા, પાણી અને Hazardous Waste સંબંધિત તમામ કાયદાઓનું પાલન અગાઉની જેમ જ ફરજિયાત રહેશે. જો કોઈ ઉદ્યોગ CCAની શરતોનો ભંગ કરશે, Extension Fee સમયસર નહીં ભરે અથવા Environmental Compensation, Bank Guarantee સહિતની બાકી રકમ નહીં ચૂકવે તો GPCBને સંબંધિત CCAને સસ્પેન્ડ, રદ અથવા પાછી ખેંચી લેવાનો તેમજ અન્ય કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે. જોકે કોઈપણ કાર્યવાહી પહેલાં ઉદ્યોગને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે.
જો કોઈ ઉદ્યોગ પોતાની હાલની CCAમાં ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન પ્રક્રિયા, પ્લાન્ટ અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરાવવા માંગતો હોય તો Amendment માટેની હાલની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવા કિસ્સામાં સંપૂર્ણ વિગતો સાથે અલગ અરજી કરવાની રહેશે. GPCBના આદેશ મુજબ આ ઓફિસ ઓર્ડર તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને અગાઉ CCA Renewal સંબંધિત બહાર પાડવામાં આવેલા વિસંગત પરિપત્રો અને ઓફિસ ઓર્ડરની જગ્યાએ હવે આ નવી વ્યવસ્થા અમલમાં રહેશે.












