”વોકલ ફોર લોકલ” અંતર્ગત: રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ
- આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા
ગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ”વોકલ ફોર લોકલ”ના સૂત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામોદ્યોગ દ્વારા રોજગારી ઉભી કરવા માટે સતત કાર્યશીલ છે. જે અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને ઘરે બેઠા પતંગ બનાવવાની તાલીમ આપીને રોજગારી માટે સક્ષમ કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા આપવામાં આવતી આ તાલીમનો મોટા પ્રમાણમાં રોજગાર ઇચ્છુક નાગરિકો લાભ લઈ રહ્યા છે.
સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પતંગ વ્યવસાય ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં વિકસે તે માટે ખેત મજૂરી તેમજ છૂટક મજૂરી કરતા ભાઈઓ તથા બહેનોને તાલીમ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પતંગ બનાવવાની પ્રક્રિયા, તે માટે લાગતો સમય, પતંગનું માર્કેટ અને રોજગારીની ઉજ્જવળ સંભાવનાઓ જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રત્યક્ષ તાલીમ-માર્ગદર્શન આપવામાં આવે છે. આ તાલીમ વર્ગનો સમય ગાળો ૩૦ દિવસનો હોય છે તથા દરેક વર્ગમાં ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચેની વયના તાલીમાર્થીઓની પસંદગી કરીને કુલ ૩૦ તાલીમાર્થીઓની બેચમાં તાલીમ આપવામાં આવે છે. હાલમાં, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા, આણંદ, ખેડા, વલસાડ, સુરત, પાટણ, અરવલ્લી, ડાંગ, નર્મદા અને તાપી એમ કુલ ૧૨ જિલ્લાઓના વિવિધ કેન્દ્રો ઉપર પતંગ બનાવવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦ જેટલા વર્ગો પૂર્ણ થતાં તાલીમ થકી તૈયાર થયેલ કારીગર બહેનો દ્વારા પતંગોનું ઉત્પાદન કરીને તેમજ વેચાણ માટે સ્ટોર બનાવીને આવક ઉભી કરવામાં આવી હતી.
હાલના સમયમાં પતંગ બનાવટમાં પણ ઘણી આધુનિકતા આવી છે. ઉત્તરાયણ પર્વ પતંગ ઉપર પ્રિન્ટિંગ, દ્રશ્યો, સંદેશાઓ, હસ્તીઓના ફોટા, વેપાર-વાણિજયનો પ્રચાર-પ્રસાર, કૃત્રિમ આકારોની ઝલક વગેરે બાબતોથી આચ્છાદિત પતંગો થકી સાચા અર્થમાં આનંદનું પર્વ બની રહ્યું છે. પતંગની વધતી જતી માંગને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે પતંગ બનાવટના તાલીમ કાર્યક્રમો યોજીને તેના માધ્યમથી રોજગારી ઉભી કરવામાં આવી રહી છે.
દેશના વિવિધ રાજયો તેમજ વિદેશમાં મુખ્યત્વે યુએસએ તથા યુરોપિયન દેશોમાં પતંગ-ફિરકીની ભારે માંગ રહે છે. વિશ્વના ઘણા દેશોમાં ભારત પતંગોત્સવને લગતા વિવિધ ઉત્પાદનોનો નિકાસ કરે છે. પતંગના નિકાસ માટેની ઘણી કંપનીઓ દિલ્હી, મુંબઈ, કોલકાતા, સુરત અને અમદાવાદમાં કાર્યરત હોવાથી આ પ્રોડકટના વેચાણ માટે પૂરતા પ્રમાણમાં બજાર મળી રહે છે. વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં પતંગોની વધુ માંગ હોવાથી સાંપ્રત સમયમાં પતંગ વ્યવસાય માટેની સંભાવનાઓ ખુબ વિશાળ પ્રમાણમાં રહેલી છે.
ગુજરાત સહિત દેશભરમાં વર્ષોથી દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ ‘ઉત્તરાયણ’નો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને ‘મકરસંક્રાંતિ’ પણ કહેવામાં આવે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હાલના બદલાતા અને આધુનિક યુગમાં રાજય, આંતરરાજય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભિન્ન-ભિન્ન પ્રકારે પતંગ ચગાવીને આનંદ માણવાના આ પર્વનું મહત્વ દિન-પ્રતિદિન ઘણું વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીયકક્ષાના ‘કાઈટ ફેસ્ટિવલ’નું આયોજન પણ કરવામાં આવે છે, એમ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.