ખડીરના ગઢડામાં ૨૦ દિવસમાં ૮૦ ઘેટાં-બકરાના મોત થતા ખળભળાટ
ગત વર્ષે ચોમાસા બાદ કચ્છના અનેક ભાગોમાં પશુઓમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો. તેવામાં હવે ખડીરના ગઢડા વિસ્તારમાં ફરી ઘેટાં-બકરામાં રોગચાળો ફાટી નિકળ્યો છે. અહીં ટપોટપ આ પશુઓ મોતને ભેટી રહ્યાં છે. ભચાઉ તાલુકાના ખડીરના ગઢડા ખાતે છેલ્લા ૨૦ દિવસથી ઘેટા-બકરાના મોત થઇ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ નાના ગામમાં રોજ ૩થી૪ પશુઓ મોતને ભેટી રહ્યાં છે. આટલા દિવસમાં અંદાજે ૮૦ જેટલા ઘેટાં-બકરાના મોત થઇ ગયા છે.
આ અંગે ગઢડા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય વાલાભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, અહીં ૨૦ દિવસથી રોગચાળો ફેલાયો છે. રાપરના પશુ ચિકિત્સક માત્ર ગુરૂવારે અહીં મુલાકાતે આવે છે. અન્ય દિવસે ફોન કરવામાં આવે તો તેઓ ‘ મારી પાસે સમય નથી’ તેવો જવાબ આપી દે છે ! ઘટાં-બકરાની અંદાજે રૂા. ૬થી ૧૦ હજારની કિંમત હોય છે. આ રોગચાળામાં પશુઓનુ ગળુ પકડાઇ જાય છે. અને ૨૪ કલાકમાં જ અબોલ પશુઓ રીબાઇ-રીબાઇને મરી જાય છે. પોતાની નજર સામે માલધારીઓ પશુઓને મરતા જોઇ રહ્યા છે.