ગુજરાતમાં વરસાદી માહોલમાં ૪ મહિલા સહિત ૬ના મોત

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ૯૧ તાલુકામાં વરસાદ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૭૫ મિમી. વરસાદ ખાબક્યો છે, જ્યારે  અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે. વલસાડના ઉમરગામમાં ૨૨ મિમી., કપરાડામાં ૩૧ મિમી., ધરમપુરમાં ૨૫ મિમી. તેમજ વડોદરાના સંતરામપુરમાં ૮૧ મિ.મી.,કડાણામાં ૫૦ મિ.મી, ઝાલોદમાં ૩૦ મિમી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત થયાં હતાં. બીજી તરફ, હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતાં એક મહિલા સહિત કુલ ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલાં બે પશુનાં મોત નીપજ્યાં હતાં. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસનાં મોત થયાં હતાં. બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નીપજ્યું હતું.

ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન પશ્ચિમી તટે ગોવા, મુંબઈને પાર કરીને આગળ વધેલું ચોમાસું પણ ત્યાં જ અટકી ગયું. જોકે હવે એ ઝડપથી દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દક્ષિણ રાજસ્થાન, ગુજરાતના અંદરના વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ઝાપટાં પણ શરૂ થઈ ગયાં છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. હળવા ઝાપટાં બાદ સાબરકાંઠામાં વડાલીમાં સૌથી વધુ ૪૦ મિમી એટલે કે ૧.૫ ઇંચ, વિજયનગરમાં ૧ ઇંચ, જ્યારે તલોદ તાલુકો કોરો રહ્યા બાદ ભારે પવન ફૂંકાયા બાદ વીજકડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ૨૭ મિમી એટલે કે ૧ ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુરમાં શરૂઆતમાં હળવો વરસાદ થયા બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડયું હતું. કડી શહેરમાં વીજ કંપનીની પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત વીજળી બંધ રહેતાં અસહ્ય ગરમી અને ભારે ઉકળાટને કારણે આકૂળવ્યાકુળ થઈ ઊઠેલા શહેરીજનોએ વીજપુવરઠો પૂર્વવત થતાં રાહત અનુભવી હતી. દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં આંશિક ઠંડક પ્રસરી હતી. શહેરમાં માત્ર ૩ મિમી વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળી હતી.રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

દિવસભરના અસહ્ય બફારા બાદ હવામાન પલટાયું હતું. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.વડોદરામાં વરસાદી ઝાપટું વરસતાં માત્ર રસ્તાઓ જ પલળ્યા હતા. ત્યાર બાદ કાળાંડિબાંગ વાદળો પવનોને કારણે ખેંચાઈ ગયાં હતાં, જેને કારણે પહેલો વરસાદ ધોધમાર પડે એવી શહેરીજનોને આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે ૨૦ મીમી જેટલો વરસાદ પડતાં ગરમીનો પારો ૪ ડીગ્રી ઘટ્યો હતો. બીજી તરફ, વરસાદને પગલે શહેરના છાણી સહિતના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. પણ શહેરમાં વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે, જ્યારે ગરમીનો પારો ૩૯ ડીગ્રી સુધી રહેવાની સંભાવના છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news