રાજ્યમાં ૫ દિવસ હળવા વરસાની આગાહીઃ સૌથી વધુ દ.ગુજરાતમાં વરસાદ ખાબક્યો
આગામી ૫ દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. રવિવારે ૫૮ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે માત્ર ૩ તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૩૫.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ ૬.૯૨ ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની જમાવટ થયા બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૫ ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૩૫.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ ૬.૯૨ ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.
ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૩૮.૭૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૩.૪૧ ટકા, કચ્છમાં ૩૧.૬૧ ટકા, મધ્ય ગુજરાતમાં ૩૩.૬૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૦.૬૭ ટકા વરસાદ નોંધાયો છે. સાવર્ત્રિક વરસાદના કારણે ધીમે ધીમે જળાશયોના જળ સ્તરમાં વધારો નોંધાયો છે. રાજ્યના ૨૦૭ ડેમની એકંદરે વાત કરીએ તો ૧૧ ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણી છે. ૫ ડેમમાં ૮૦થી ૯૦ ટકા પાણી છે. ૮ ડેમમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. રાજ્યમાં અગાઉના વર્ષોની તુલનામાં ૩૮ ટકા ઓછો વરસાદ વરસ્યો છે.