વડોદરામાં વહેલી સવારે મકાન ધરાશાયી થતાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા
વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં જર્જરિત બે મજલી મકાન આવેલું છે. મકાનના પ્રથમ માળે મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૫), સુબરાબીબી મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૦), અનાસ ઇમરાનભાઇ રંગરેજ (ઉં.૧૯) અને ઇશુભાઇ રંગરેજ રહે છે. વહેલી પરિવાર નિંદ્રાધિન હતું. દરમિયાન તેમનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. મકાન ધરાશયી થવાનો અવાજ આવતા નિંદ્રાધિન રંગરેજ પરિવાર પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. બીજી બાજુ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતું પરિવાર તેમજ પટેલ ફળિયાના લોકો પણ જોરદાર અવાજ સાંભળી પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. સવારે મકાન ધરાશાયી થતાં, લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ પ્રથમ માળે ફસાયેલા રંગરેજ પરિવારને બહાર કાઢવા માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, શક્ય બન્યું ન હતું.
દરમિયાન આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા. અને મકાનમાં ફસાયેલા વૃધ્ધ દંપતિ મુસ્તાકભાઇ રંગરેજ તેમની પત્ની સુબરાબીબી સહિત ચારને સહીસલામ બહાર કાઢ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા વૃદ્ધ દંપતી સહિત ત્રણને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોના જણાવ્યા પ્રમાણે સવારે બનેલી આ ઘટનામાં મુસ્તાકભાઇને માથામાં, મુસ્તાકબીબીને હાથમાં અને અન્ય એકને પગમાં ઇજા પહોંચી હતી. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જર્જરિત મકાનો છે. અનેક મકાનોને ઉતારી લેવા માટે પણ અવાર-નવાર સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ, મકાન માલિકો દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી.
વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં સવારે જર્જરિત બે મજલી મકાનનો પ્રથમ માળનો ભાગ ધરાશાયી થયો હતો. ધડાકા સાથે મકાનનો પ્રથમ માળ ધરાશાયી થતાં નિંદ્રાધિન વૃદ્ધ દંપતિ સહિત ૪ વ્યક્તિઓ ફસાઇ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને મકાનમાં ફસાઈ ગયેલા ચાર વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ચાર પૈકી ત્રણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.