વાપી GIDCમાં ડ્રમ લિકેજથી ગેસ ગળતરથી ૩ મજૂરોને ગંભીર અસર, બેના મોત
કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ
વાપી: વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીમાં કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ દરમિયાન કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ મચી ગઇ. ગેસ ગળતરને કારણે ૩ મજૂરોને ગંભીર અસર થઇ. બાકીના કામદારોએ ઘટનાની જાણ કંપનીના સંચાલકોને કરતા તેમણે ગેસ ગળતરની ઘટનામાં પ્રભાવિત થયેલા ત્રણેય કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ગેસ ગળતરની અસર થવાથી બે કામદારોના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતુ.
મૃતક કામદારના નામ ગોરેલાલ મંડલ અને દિલીપ તાંતી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે કે અન્ય કામદાર ભુવનેશ્વરને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મામલાની જાણ થતાં જ વાપી GIDC પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને કામદારોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. કંપનીના મેનેજરે બનાવ અંગે વાપી GIDC પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી. પોલીસ દ્વારા FSL ટીમની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ નિયમો મુજબ કામદારોને સેફ્ટી કીટ આપી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.