ગુજરાતમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જેથી માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૨૦ જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘ગુલાબ’ વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ નબળું પડતા જ ગુજરાત પર હવે શાહિન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. ૩૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે ૬ કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી ૩ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,૧૩૮ પંચાયતના માર્ગો મળીને કુલ ૧૪૨ રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ૧૦૦ મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે. ઉમરપાડામાં ૨૧૮ મિમી અને પલસાણામાં ૧૯૨ મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વસાવડા અને ગોંડલમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. અને આટકોટમાં એક કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.ગોંડલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા. જ્યાં ઓશો આશ્રમમાં પાણી ભરાતા રોટલી બનાવવાનું મશીન સહિતના સાધનો પાણીમાં ગળાડૂબ થયા હતા. જયારે ગોંડલની ગોંડલી નદી ગાંડીતુર થઈ હતી, જેને પગલે ગોંડલ, કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા હતા. સુરત શહેર સાથે જિલ્લામાં ભારે વરસાદને લઇ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉમરપાડામાં ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતીઓ ખાડીઓના સ્તરમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, શહેરમાં સરેરાશ ૨.૭ ઇંચ વરસાદ થયો છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટી ૬.૭૫ મીટરની લગોલગ છે, જ્યારે મીઠીખાડી ઓવરફલો થઇ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી ૨ લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.