લદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા
રવિવારે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે ૯.૫૭ વાગ્યે થયો હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ પણ રીતે જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાનું જાણવા મળ્યું નથી.
જમ્મુ-કાશ્મીરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે ૪.૪૦ વાગ્યે આવેલા આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૯ માપવામાં આવી છે. તેનું કેન્દ્ર ઉત્તરમાં ૩૩.૦ ડિગ્રી અક્ષાંશ અને પૂર્વમાં ૭૫.૮૬ ડિગ્રી રેખાંશ હતું. અધિકારીઓએ વધુમાં કહ્યું કે, “ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભાલેસ્સા નજીક સ્થિત છે.”
ભૂકંપની દૃષ્ટિ કાશ્મીર ખૂબ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં આવેલું છે, જ્યાં ભૂતકાળમાં પણ આંચકા અનુભવાયા છે. ૮ ઓક્ટોબર ૨૦૦૫ ના રોજ અહીં આવેલા ભૂકંપમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ની બંને બાજુ રહેતા ૮૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી.