અમેરિકા બરફના તોફાનની ઝપેટમાં, ૨,૦૦૦ ફ્લાઇટ રદ
ટેક્સાસ, કોલોરાડો અને ઉટાહને સૌથી વધુ અસર
કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા અમેરિકા પરની આફતો સતત વધી રહી છે. અમેરિકાના ટેક્સાસ પાનહેન્ડલના લબોક અને એમરિલોમાં શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું હતું. જ્યારે કોલોરાડો, વ્યોમિંગ અને ઉટાહમાં ચાર ફૂટ જેટલી બરફ વર્ષા અને ઓક્લાહામા, અર્કાન્સાસ તથા મિસૌરીમાં ભારે વરસાદ, વાવાઝોડા અને પૂરના કારણે આશરે ૨,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્ કરવાની ફરજ પડી હતી. જાેકે હજી સુધી કોઈ ઈજાના સમાચાર સાંપડ્યા નથી. વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બનવાને કારણે ૩ લાખથી વધુ અમેરિકનોને ભારે બરફવર્ષાનો સામનો કરવો પડે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ડેનવરમાં આશરે ૧૮ ઈંચ જેટલી બરફ વર્ષા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
બોલ્ડર સ્થિત રાષ્ટ્રીય હવામાન સેવા વિભાગના જણાવ્યાં અનુસાર, મધ્યમથી ભારે બરફ વર્ષાને પગલે પ્રવાસ માટે પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થવાને પગલે ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ૨૦૦૦ ફ્લાઈટ્સ રદ્દ કરવાની ફરજ પડી હતી. આ અંગે માહિતી આપતા લબોકના હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જાે મર્ચન્ટે જણાવ્યું હતું, ટેક્સાસના પાનહેન્ડલમાં બે શક્તિશાળી વાવાઝોડાં ત્રાટક્યા હતાં, જેને પગલે એક મકાન ધ્વસ્ત થવા પામ્યું હતું અને વીજળીની લાઈનોને નુકસાન થયું હતું. જ્યારે કોલોરાડોની રાજધાની ડેનવરમાં બરફના તોફાનને કારણે જનજીવન ઠપ થઈ જવા પામ્યું હતું. રાષ્ટ્રીય હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં બરફના તોફાનની આગાહી કરી છે.
આ ઉપરાંત કેટલાંક વિસ્તારોમાં ૩૦ ઈંચ સુધીની બરફ વર્ષા થવાની આશંકા વ્યક્ત કરી છે. કોલોરાડોના હવામાન વિભાગે લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવાની સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આ વાવાઝોડાની ક્ષમતા કેટલી હતી તે અંગે હાલ કંઈ કહેવુ વહેલું ગણાશે.