NGTની નજર હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના EC ફંડના ઉપયોગ પર, હરિયાણાએ યમુના કેચમેન્ટમાં Micro STP માટે રકમ વાપરવાની મંજૂરી માગી
- EC ફંડના ઉપયોગ અંગે ચાલી રહેલી કાર્યવાહી હવે NGT સમક્ષ મહત્વના તબક્કે પહોંચી
- ટ્રિબ્યુનલનો CPCBને પ્રાપ્ત થયેલી માહિતી ટેબ્યુલર સ્વરૂપે રજૂ કરવાનો નિર્દેશ
- NGTએ મામલાને આગામી સુનાવણી માટે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ સૂચિબદ્ધ કર્યો છે
નવી દિલ્હી: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) અને પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓ (PCC) દ્વારા પર્યાવરણીય વળતર (Environmental Compensation) ફંડના ઉપયોગ અંગે ચાલી રહેલી કાર્યવાહી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ મહત્વના તબક્કે પહોંચી છે. કર્ણાટક સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (KSPCB)ના ફંડના ઉપયોગ અંગેના ડેક્કન હેરાલ્ડમાં પ્રકાશિત અહેવાલના આધારે શરૂ થયેલી સુઓ મોટો કાર્યવાહી હેઠળ વિવિધ PCB/PCC દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીના સંકલન અને EC ફંડના ઉપયોગ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહી ચાલી રહી છે.
NGTની પ્રિન્સિપલ બેન્ચે 3 ઓગસ્ટ, 2026ના રોજ થયેલી સુનાવણીમાં નોંધ્યું હતું કે અગાઉના આદેશ બાદ કેટલાક વધુ PCB/PCCએ પોતાના જવાબો રજૂ કર્યા છે. તમિલનાડુ, મેઘાલય, ઉત્તર પ્રદેશ અને કેરળના PCB તેમજ દમણ-દીવ અને લદ્દાખના PCC તરફથી વધારાના જવાબો રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો હતો. CPCBએ પણ PCB/PCC પાસેથી પ્રાપ્ત માહિતીનું સંકલન કરવા માટે આઠ અઠવાડિયાનો સમય માગ્યો હતો. ટ્રિબ્યુનલે CPCBને પ્રાપ્ત થયેલી માહિતી ટેબ્યુલર સ્વરૂપે રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ કાર્યવાહી મૂળ 23 નવેમ્બર, 2025ના ડેક્કન હેરાલ્ડમાં પ્રકાશિત “ગવર્મેન્ટ્સ એફર્ટ્સ ટુ ટેપ કેએસપીસીબી ફંડ્સ સેટ ટુ હિટ લીગલ હર્ડલ” શીર્ષકના ન્યૂઝ આઇટમના આધારે શરૂ થયેલી મૂળ અરજી નં. 623/2025 સાથે સંબંધિત છે.
સુનાવણી દરમિયાન હરિયાણા સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (HSPCB) દ્વારા યમુના નદીના કેચમેન્ટ વિસ્તારમાં માઇક્રો એસટીપી (Micro STPs) સ્થાપવા માટે ઇસી ફંડ (EC Fund)નો ઉપયોગ કરવાની મંજૂરી માગવામાં આવી હતી.
આ અરજી અંગે CPCBના વકીલે જવાબ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો. NGTએ CPCBને જવાબ માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
અરજીના નિર્ણયના મર્યાદિત હેતુ માટે નેશનલ મિશન ફોર ક્લિન ગંગા (NMCG)ને પણ પક્ષકાર તરીકે implead કરવામાં આવ્યું છે. NMCGના ડિરેક્ટર જનરલ તરફથી હાજર વકીલે અરજીનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો. ટ્રિબ્યુનલે અરજીની નકલ NMCGના વકીલને ત્રણ દિવસમાં ઉપલબ્ધ કરાવવા પણ નિર્દેશ આપ્યો હતો.
સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સહિત વિવિધ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રેકોર્ડ મુજબ GPCB તરફથી એડવોકેટ મૌલિક નાણાવટી હાજર રહ્યા હતા. આ ઉપરાંત CPCB, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત વિવિધ PCB/PCCના વકીલો પણ સુનાવણીમાં હાજર રહ્યા હતા.
NGTએ મામલાને આગામી સુનાવણી માટે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ સૂચિબદ્ધ કર્યો છે. તે પહેલાં સંબંધિત PCB/PCC દ્વારા વધારાના જવાબો રજૂ કરવાના રહેશે અને CPCB દ્વારા વિવિધ બોર્ડ પાસેથી પ્રાપ્ત માહિતીનું સંકલન કરીને તેને ટેબ્યુલર સ્વરૂપે ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાની રહેશે.
આ તબક્કે NGTએ EC Fundના ઉપયોગ અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી. હાલની કાર્યવાહીનો મુખ્ય મુદ્દો વિવિધ PCB/PCC પાસેથી મળેલી માહિતીનું સંકલન તેમજ HSPCB દ્વારા યમુના કેચમેન્ટમાં Micro STPs માટે EC Fundના ઉપયોગ અંગે કરવામાં આવેલી માંગ પર આગળની કાર્યવાહી કરવાનો છે.










