લાતુરમાં જળ ‘પ્રલય’, લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે બાંધના ૧૨ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના લાતુરમાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસેલા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા.

ત્યાર બાદ લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, હેલિકોપ્ટર અને હોડીઓનો સહારો લેવો પડ્યો હતો. છેલ્લા ૨ દિવસમાં વરસાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં મહારાષ્ટ્રના ૧૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે રાજ્યમાં એનડીઆરએફની મદદથી ૫૬૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.  એક અધિકારીએ જણાવ્યું કે, બોટની મદદથી મંજારા નદીના કિનારે વસેલા સરસા ગામના ૪૭ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેનાપુરના દિગોલ દેશમુખ ક્ષેત્રમાંથી ૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર સાકેબ ઉસ્માનીના કહેવા પ્રમાણે રાજ્ય સિંચાઈ વિભાગના ૩ કર્મચારીઓ ઘંસરગાંવ ગામના બૈરાજમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમની સાથે સાથે એક હેલિકોપ્ટરને રેસ્ક્યુ માટે લગાવવામાં આવ્યું હતું.