સ્વચ્છતાના સિટિઝન ફીડબેકમાં વડોદરા નાના શહેરોથી પણ પાછળ રહી ગયું

વાપીના નાગરિકોએ વડોદરા કરતાં બમણા ૧,૦૫,૪૧૧ અભિપ્રાયો આપ્યા હતા. ૨૩ લાખના શહેરમાં ૨ ટકા લોકોએ જ ફીડબેક આપ્યા છે. ગત સર્વેક્ષણમાં શહેરમાંથી ૧૧,૩૪૫ લોકોએ જ અભિપ્રાય આપ્યા હતા. બીજા અર્થમાં કહીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪ ગણા વધુ ફીડબેક આવ્યા છે, છતાં તેની સરખામણીએ જે શહેરોની વસ્તી ઓછી છે તેના કરતાં પણ પાછળ છે. સ્વચ્છ ભારત રેન્કિંગના અધિકારી અને પાલિકા ડેપ્યૂટી કમિશનર શૈલેશ નાયકે જણાવ્યું કે, ‘આ વર્ષે વડોદરાનું રેન્કિંગ સુધરે તેવી શક્યતા છે. કારણ કે બાયોરેમિડેશન પ્લાન્ટની અસરકારક કામગીરી રહી છે. આ ઉપરાંત ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં પણ દર વર્ષે ઊભી થતી કોઇ ક્વેરી આ વર્ષે થઇ નથી.’

ગત વર્ષે સ્વચ્છ સર્વેક્ષણના રેન્કિંગમાં ગુજરાતના ટોપ-૧૦માં વડોદરા સહિત ૪ શહેરો હતાં.આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણનાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે. આ વર્ષે રેન્કિંગમાં વડોદરા આગળ આવે તેવી ધારણા અધિકારીઓ રાખી રહ્યા છે. બીજી તરફ ૨૦૨૧ના સ્વચ્છ સર્વેક્ષણમાં સિટિઝન ફીડબેકમાં ગત વર્ષના ૧૫૦૦થી વધારી ૧૮૦૦ માર્કસ કરાયા છે ત્યારે વડોદરામાંથી આ વર્ષે માત્ર ૪૬,૨૯૯ લોકોએ ફીડબેક આપ્યો છે. જ્યારે વડોદરા કરતાં ઓછી વસ્તી ધરાવતા અંકલેશ્વરમાં ૭૫,૯૪૪ અને નવસારી ૭૪,૮૧૫ લોકોએ સ્વચ્છતા અંગેના ફીડબેક આપ્યાં છે. વડોદરાથી અન્ય નાનાં શહેરોમાં લોકોએ ફીડબેક વધુ આપ્યાં છે પણ સાથે વડોદરામાં સ્વચ્છતાના હેતુથી મૂકાયેલી પ્લાસ્ટિકની નાની ડોલ તમામ વિસ્તારમાંથી ગાયબ થઇ છે. જે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં પીછેહઠ કરાવી શકે છે. શહેરમાં ૩૦% કચરાને જુદો પડાય રહ્યો છે. કચરાના સેગ્રિગેશનના પણ માર્કસ છે, જેમાં નુકસાન થઇ શકે છે. જે ફીડબેક અપાયાં છે તેમાં ૨૭ હજાર મોબાઇલથી અપાયાં છે. અંદાજ મુજબ શહેરમાં ૧૦થી ૧૨ લાખ મોબાઇલ છે.

‘કોરોનાને લીધે લોકોમાં અન્ય બાબતને મહત્વ આપવાની વૃત્તિ ઘટી છે. વધુ વયના લોકોને આવા સરવેમાં રસ નથી અને યુવાનોને આ બાબતો માટે સમજ કે સમય નથી.’ પર્યાવરણ કર્મશીલ રોહિત પ્રજાપતિએ કહ્યું કે, ‘કોઇ બાબતમાં રજૂઆતો બાદ રિસ્પોન્સ ન મળે તો લોકો થાકે છે. ઓછા ફીડબેક પણ તેનું પરિણામ છે. સ્વચ્છ સર્વેક્ષણના રેન્કિંગમાં વડોદરા આગળ આવે તે માટે આ વર્ષે સૌથી મોટું જમા પાસું બાયોરેડિયેશન પ્લાન્ટ છે. આ પ્લાન્ટ વડે આ વર્ષે શહેરમાંથી ૪ લાખ ટન કચરો વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને દૂર કરવામાં આવ્યો છે. જેને કારણે ૧૭ એકર જેટલી જમીન ખુલ્લી થઇ ગઈ છે.

અત્રે નોંધનીય છે કે, કચરો દૂર કરવામાં આવ્યા બાદ ખુલ્લી થયેલી આ જમીનની કિંમત રૂા. ૨૫૦ કરોડ જેટલી છે. વાપી-અંકલેશ્વરના લોકોના ફીડબેક વધુ હોવાનું કારણ એ છે કે, આ વિસ્તારમાં ઉદ્યોગો વધુ હોવાથી પ્રદૂષણની સમસ્યા સૌથી વધુ છે, જેના લીધે લોકોમાં જાગૃતિ વધી છે. જેના પગલે ત્યાંના લોકો સ્વચ્છ સર્વેક્ષણ જેવી બાબતોમાં પોતાનાં મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ સર્વેક્ષણમાં માત્ર વધુમાં વધુ લોકો પોતાનો અભિપ્રાય આપે તે જ મહત્ત્વનું હોય છે.