હમણાં રાજ્યમાં વરસાદની કોઇ જ સંભાવના નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકો ક્યારે વરસાદ આવશે તેની રાહ જોઈએ રહ્યા છે. જો કે તમારા માટે એક માઠા સમાચાર એ છે કે રાજ્યમાં થોડા દિવસો સુધી વરસાદ વરસવાની શક્યતા નહીવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ગુજરાતમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે આગામી પાંચથી સાત દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના નહીંવત છે. જો કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યમાં અત્યાર સુધી ૯૬ મિલિમિટર વરસાદ વરસ્યો છે. જો કે ૧૦૭થી ૧૦૮ મિલિમિટર વરસાદ હોવો જોઈએ. જો કે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ રહેશે. રાજ્યમાં ડાંગ, દાહોદ, પંચમહાલમાં દર વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ અત્યાર સુધી વરસાદ દર વર્ષની સરખામણીએ ઓછો વરસ્યો છે.