રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી

રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી ૧થી ૫ સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને ૧, ૪ અને ૫ સપ્ટેમ્બરના રોજ મધ્યમ અને ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન ૨૮-૩૧ ડિગ્રી સેલ્શિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન ૨૨-૨૪ ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૪-૯૧ અને ૫૨-૭૨ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૭થી ૨૧ કિમી રહેવાની શક્યતા છે. રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમ પર ૮ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧૯.૯૦ ફૂટ, મોજ ડેમ પર ૧૦ મી.મી.

વરસાદ સાથે ૩૫.૯૦ ફૂટ, વેણુ-૨ ડેમ પર ૫ મી.મી. વરસાદ સાથે ૧૪.૯૦ ફૂટ, સુરવો પર ૩૦ મી.મી. વરસાદ સાથે ૪.૪૦ ફૂટ, વાછપરી પર ૫ મી.મી. વરસાદ, ન્યારી-૧ ડેમની જળ સપાટી ૧૭.૧૦, છાપરાવાડી-૨ માં ૨ મી.મી. વરસાદ સાથે ૦.૮૦ ફૂટ, ઈશ્વરિયા ૧૦ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧.૩૦ ફૂટ, ભાદર- ૨ ડેમમાં ૧૪ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૧૧ ફૂટ, કર્ણકી ૫૦ મી.મી. વરસાદ સાથે જળ સપાટી ૯.૨૦ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ ૩૧.૧૬ ટકા પાણી વર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ ૨૧ ઈંચ(૫૫૦ મીમી) વરસાદ પડ્યો છે. જોકે આ માત્ર સેન્ટ્રલ ઝોનના જ આંક છે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વેસ્ટ ઝોનમાં ૪૭૬ મીમી જ્યારે સૌથી ઓછો ઈસ્ટ ઝોનમાં ૪૫૯ મીમી વરસાદ નોંધાયો છે.રાજકોટ જિલ્લામાં આજે સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. તેમાંય જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હોય તેમ એક કલાકમાં વીજળીના કડાકા ભકાડા સાથે દોઢ ઇંચ વરસાદ વરસી જતા શેરીઓમાં નદીની જેમ ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. ગોંડલમાં બપોર બાદ પણ વધુ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા આશાપુરા ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. તેમજ આટકોટમાં પણ મૂશળધાર વરસાદ વરસતા હાઇવે પર પાણી ભરાયા હતા. ગોંડલમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસતા અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા છે. એક કલામાં દોઢ ઇંચ વરસાદથી એક કાર પણ ફસાઇ ગઇ હતી. બીજી તરફ એસટી બસસ્ટેન્ડમાં બે ફૂટ સુધી પાણી ભરાતા મુસાફરો પરેશાન બન્યા છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ મોડી રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બાદમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. હાલ ધીમીધારે વરસાદ શરૂ છે. જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું જસદણ શહેરમાં ૧ કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાંથી પાણી બહાર નીકળી જતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. જસદણના જંગવડ, પાંચવડા, ખારચીયા, વીરનગર બળધૂઇ, જીવાપર, આટકોટ સહિતના ગામમાં સારો વરસાદ પડ્યો છે. આ તમામ વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મધરાતે ઝરમર વરસાદે સવાર પડતા જ જોર પકડ્યું છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, મોરબી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.

તેમજ વીજળીના કડાકા ભડાકા પણ થઇ રહ્યાં છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાતા વિઝિબિલીટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત વાહનમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. શહેરમાં ૯.૩૦ વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયાનું જાણવા મળે છે. બપોર બાદ પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી, વાસાવડ, મોવિયા, પાંચીયાવદર, રાવણા, મેતા ખંભાળિયા, કેસવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. જેમાં એક કાર ફસાઇ છે. હાલ સ્થાનિક લોકો દ્વારા રેસ્કયૂ કરી કારને બહાર કાઢવામાં આવી છે.

યાત્રાધામ વિરપુરમાં પણ સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ ખેડૂતોએ વાવેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિરપુરમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી બની ગયા છે. રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ત્રણ કાર અથડાઇ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. બીજી તરફ રાજકોટના માલિયાસણ ગામે ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા બે ઘેટાના મોત નીપજ્યાં છે.