મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છેઃ WHO

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટ હાલ વિશ્વના કેટલાક દેશોમાં ભારે ઝડપથી પ્રસરી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર કોરોનાના નવા વેરિયેન્ટ ઘણો સંક્રમક છે. હાલ મધ્ય-પૂર્વના દેશોમાં કોરોના વાઇરસની ચોથી લહેર ઘાતક બની રહી છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું, કેમ કે આ દેશોમાં કોરોના વાઇરસની સામે રસીકરણની ઝડપ ઘણી ધીમી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નિવેદન જારી કહ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં દર્દીઓની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય-પૂર્વના ૨૨માંથી ૧૫ દેશોમાં કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

આમાંથી કેટલાય દેશોમાં વાઇરસનો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે અને મોટા ભાગે જે લોકોનું રસીકરણ નથી થયું તે લોકોને આ વાઇરસનો ચેપ લાગી રહ્યો છે, એમ નિવેદન કહે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજિયોનલ ડિરેક્ટર ડો. અહેમદ અલ મંધારીએ કહ્યું હતું કે આ બધા દેશોમાં ડેલ્ટા વેરિયેન્ટ તેજીથી ફેલાવું એ અમારા માટે ચિંતાનું એક મોટું કારણ છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સંક્રમણના નવા કેસોમાં ૫૫ ટકા અને મોતોની સંખ્યામાં ૧૫ ટકાની  વૃદ્ધિ થઈ છે. સાપ્તાહિક ધોરણે કોરોનાના સંક્રમણના કેસોમાં ૩,૧૦,૦૦૦થી વધુ કેસો અને ૩૫૦૦થી વધુ મોત થયાં છે. ટ્યુનિશિયા જેવા દેશ, જેણે ઉત્તર આફ્રિકામાં સૌથી વધુ કોરોનાથી મોતનો સામનો કરી ચૂક્યા છે- એ કોરોનાનો પ્રકોપ રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.