જીઆઈડીસીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાત ઝુંપડા થયા ભસ્મીભૂત

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાક્ટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા.આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.