સુરતની ડિડોંલી સ્થિત ડાઇંગ મિલના પ્રદૂષણ સામે રહીશોએ જીપીસીબીને કરી ફરિયાદ

કોઇ પણ પરવાનગી વગર ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે ઉભી કરાયેલી મારૂતિ એન્ટરપ્રાઇઝ ડાઇંગ મિલના પ્રદુષણથી 10 જેટલી સોસાયટીના 62 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થતાં એકમ સામે પગલા લેવા જીપીસીબીને લેખિતમાં ફરિયાદ કરાઇ છે. ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે પ્રમુખ પાર્કમાં મારૂતિ એન્ટરપ્રાઇઝનાં નામે કાપડ મિલના ધુમાડાથી રહીશોને આંખોમાં બળતરા થવાની ફરિયાદ કરવામાં આવી છે.

ડિંડોલી નંદનવન સોસાયટીના રહીશોએ જીપીસીબીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બિન અધિકૃત રીતે ઉભી કરાયેલી ડાઇંગ મિલમાંથી નિકળતા ધુમાડાથી આંખમાં બળતરા થાય છે. દુર્ગંધના કારણે શ્વાસની બીમારીઓ થવાની દહેશત છે. મિલના બોઇલરમાં પ્લાસ્ટિક અને ચિંધીને સળગાવવામાં આવતી હોવાથી હવામાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. 10થી વધુ સોસાયટીના 62 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. જેથી મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી મિલને બંધ કરાવવાની માંગણી કરાઈ છે.

સુરત જીપીસીબીના અધિકારી પી.યુ.દવે જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ મળી છે. આ મિલે પરવાનગી લીધી નથી તેને બંધ કરવા માટે ગાંધીનગર રિપોર્ટ કરાવાયો છે.