રાજકોટ શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો,મોતીસર ડેમ છલકાતા તમામ ૧૭ દરવાજા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સાવર્ત્રિક વરસાદના પગલે જળાશયોમાં ૧થી ૪ ફૂટ નવા નીરની આવક થઈ છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાય ચૂક્યો છે. આથી સિઝનનો ૨૧ ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટનો આજી-૨ ડેમ ઓવરફ્લો થતા ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. મોતીસર ડેમ ઓવરફ્લો થતા તમામ ૧૭ દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-૧ ડેમ અડધો ભરાય ગયો છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારની મંજૂરી બાદ ગત સપ્તાહ દરમિયાન રાજકોટની જનતાને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે નર્મદા નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા હતા. બાદમાં મેઘરાજા પણ મહેરબાન બની છેલ્લા ૪૮ કલાકમાં અનરાધાર વરસતા લોકોને પાણીની તંગી સુધી પહોંચતા બચાવી લીધા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા સાવર્ત્રિક વરસાદના કારણે રાજકોટના જળાશયોમાં એકથી ચાર ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મોટાભાગનાં નદી-નાળા બેકાંઠે વહેતા હતા અને જે પાણી ડેમ સુધી પહોંચતા જળાશયોમાં નવા નીર પહોંચ્યા છે.

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર ડેમમાં વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના સૌથી મોટા અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા એવા ભાદર-૧ ડેમમાં છેલ્લા ૨ દિવસમાં એક ફૂટ કરતા વધુ પાણી આવતા સપાટી ૧૮ ફૂટ પહોંચી ચૂકી છે એટલે કે ૫૦% ડેમ ભરાય ચૂક્યો છે. જ્યારે આજી એક ડેમમાં પણ છેલ્લા ૪૮ કલાકમાં એક ફૂટથી વધુ પાણી આવતા સપાટી ૧૫.૮૦ ફૂટ પહોંચી છે અને ન્યારી એક ડેમમાં ચાર-ચાર ફૂટ જેટલું પાણી આવતા સપાટી ૧૮.૨૦ પહોંચી ચૂકી છે.