મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યોઃ ૨૪ કલાકમાં વરસાદ, ભૂસ્ખલનથી ૧૧૨ના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી ૧૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૯૯ લોકો ગુમ થયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી ૫૪ ગામો સંપૂર્ણ રીતે અને ૮૦૦થી વધુ ગામો આંશિક રીતે અસરગ્રસ્ત થયા છે. જેમાં પુનાના ૪૨૦ ગામ, કોલ્હાપુરના ૨૪૩ ગામ, સાંગલીના ૯૨ અને સતારા જિલ્લાના ૧૨૦ ગામનો સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદના પરિણામે થયેલા ભૂસ્ખલન અને પુરથી ૧૧૨ લોકોના મૃત્યુ થયા છે. કોંકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશ થયો છે. જિલ્લામાં ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એકલા મહાડના તલિયા ગામમાં થયેલા ભૂસ્ખલનમાં જ ૫૨ શબને બહાર કાઢવામાં આવ્યા છે અને ૫૩ લોકો ગુમ છે. અહીં ૩૩ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ મુજબ રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુનામાં અત્યાર સુધીમાં ૧૧૨ શબને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. જ્યારે ૫૩ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. તલિયે ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકામાં સુતારવાડીમાં ભૂસ્ખલનથી ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૫ લોકો ઘાયલ છે. કેવલાલે ગામમાં પણ ૫ લોકોના મૃત્યુ થયા છે અને ૬ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. વશિષ્ઠી નદી પર પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફ જનાર માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.

પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે મંડળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને નદીઓ ખતરા પર વહી રહી છે. અત્યાર સુધીમાં ૧,૩૫,૩૧૩ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. આ પૈકીના ૪૦,૮૮૨ લોકો કોલ્હાપુર જિલ્લામાંથી છે.

કોલ્હાપુર શહેરની પાસે પંચગંગા નદી ૨૦૧૯માં આવેલા પુરના સ્તરથી ઉપર વહી રહી છે. પુના અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લો પણ આવે છે. સાંગલીમાં ૭૮૦૦, સતારામાં ૫૬૫૬, થાણેમાં ૬૩૯૦ અને રાયગઢ જિલ્લામાં ૧૦૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ લાવવામાં આવ્યા છે.

વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને પુરથી ૩૨૨૧ પાલતુ પશુઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ ૩૦૨૪ પશુઓના મૃત્યુ સતારા જિલ્લામાં થયા છે. જ્યારે રત્નાગિરીમાં ૧૧૫, રાયગઢમાં ૩૩, કોલ્હાપુરમાં ૨૭, સાંગલીમાં ૧૩, પુનામાં ૬ અને થાણેમાં ૩ પશુઓએ જીવ ગુમાવ્યા છે. સતારાના ઘણા વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની ૩૪ ટીમને લગાડવામાં આવી છે. જેમાંથી ૮ ટીમને મુંબઈ, પુના અને નાગપુરમાં રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત નેવીની ૭ ટીમો, એસડીઆરએફની ૮, કોસ્ટગાર્ડની ત્રણ અને એરફોર્સના હેલિકોપ્ટર સહિત આર્મીની ૬ ટીમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ૪૮ બોટ અને એસડીઆરએફની ૧૧ બોટ સહિત ૫૯ બોટ દ્વારા લોકોને રાહત આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે રાયગઢના તાલિયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનોને સરકાર તરફથી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે ગામના બચેલા લોકોનું પુનર્વસન કરવામાં આવશે. તમે એક મોટી દુર્ઘટનાનો સામનો કર્યો છે, તેથી હમણાં તમારે ફક્ત તમારી સંભાળ લેવાની જરૂર છે. બાકી સરકાર પર છોડી દો.