કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી છે. ૨૦૧૯માં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન વીજળીની કુલ ખપત ૧૦ હજાર ૬૬૦ કરોડ યુનિટ પ્રતિ માસ હતી. આ આંકડો ૨૦૨૧માં વધીને ૧૨ હજાર ૪૨૦ કરોડ યુનિટ પ્રતિ માસ થઈ ગયો છે. આગામી થોડા દિવસોમાં જ તમારૂં ઘર પાવર કટની લપેટમાં આવી શકે છે કારણ કે, દેશમાં માત્ર ૪ જ દિવસ માટેનો કોલસો બચ્યો છે. ભારતમાં વીજળીના ઉત્પાદન માટે કોલસાનો જ સૌથી વધારે ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે કોલસા પર આધારીત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ખૂબ જ ઘટી ગયો છે.  દેશના ૭૦ ટકા વીજ ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારીત છે.

કુલ ૧૩૫ થર્મલ પાવર પ્લાન્ટ્‌સમાંથી ૭૨ પાસે કોલસાનો ૩ દિવસ કરતા પણ ઓછો સ્ટોક છે. જ્યારે ૫૦ પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો ૪થી ૧૦ દિવસનો સ્ટોક બચ્યો છે. ૧૩ પ્લાન્ટ્‌સ જ એવા છે જ્યાં કોલસાનો ૧૦ દિવસ કરતા વધારેનો સ્ટોક બચ્યો છે. ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે આ તંગી પાછળનું મોટું કારણ કોલસાના ઉત્પાદન અને તેની આયાતમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તે છે. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેની કિંમતો પણ વધી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે આગામી સમયમાં દેશમાં વીજ સંકટ સર્જાઈ શકે છે.

હાલ દેશમાં વીજસંકટ છવાયેલું છે તે દરમ્યિાન ગુજરાતમાં પણ વીજસંક્ટ જોવા મળ્યું હતું જેમાં યુજીવીસીએલ દ્વારા ઉત્તર ગુજરાતના ગામડાઓમાં સરપંચોને જાણ કરી હતી કે ગામડાઓમાં વીજકાપ રાખવામાં આવશે. આ વીજકાપનું મુખ્ય કારણ દેશ અને ગુજરાતમાં કોલસાની અછત છે. જેથી ઉત્તર ગુજરાતના ગામડાઓમાં યુજીવીસીએલ દ્વારા બપોરના સમયે વીજકાપ કરવામાં આવશે.