વઢવાણ જીઆઇડીસીમાં ગૃહઉધોગમાં આગ લાગતા દોડધામ મચી, કોઇ જાનહાની નહીં

વઢવાણમાં આવેલી જીઆઇડીસીમાં બેકરીનો ગૃહઉધોગ ચલાવતા એકમમાં આગ લાગવાના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી.આથી વઢવાણ સુરેન્દ્રનગર ફાયર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લેતા કોઇ જાનહાની થઇ ન હતી.તપાસમાં આગ જુની ગેસ પાઇપલાઇન કાપતા સ્પાર્કને કારણે લાગ્યાનું ખુલ્યુ હતુ.

સુરેન્દ્રનગર ફાયર ટીમને નીજાર અમીરઅલી પીરાણીએ ફોનપર માહિતી આપી હતી. કે જીઆઇડીસી આંબાવાડીમાં આવેલા અમન ગૃહઉધોગ બેકરીમાં આગ લાગી છે.આથી ચીફઓફિસર સંજયભાઇ પંડ્યાની સુચનાથી છત્રપાલસિંહ ઝાલા, રાહુલ ડોડીયા, ભગીરથસિંહ, જશુભા, વિશ્વરાજસિંહ સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ વધુ જણાતા વઢવાણ ફાયર ટીમને જાણ કરાતા પ્રવિણ મકવાણા, સોપેભાઇ, બળવંતસિંહ, પ્રશાંતભાઇ પણ પહોંચ્યા હતા. જ્યાં આગ બેકરીના પુઠ્ઠામાં પ્રસરી હોવાનું ધ્યાને આવતા પ્રથમ પાણીનો મારો ચલાવી આગ ઠારી લઇ આગ પકડે તેવો સામાન બહાર કાઢી લેવાયો હતો. આમ ત્રીસ મિનિટ જેટલા સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

આગ લાગવાના કારણની તપાસ કરતા બેકરી પાસે કન્ડમ હાલતમાં ફેક્ટરીના ગેસના પાઇપનું કટીંગ કરાતુ હતુ તે દરમિયાન સ્પાર્કને લઇ પાઇપલાઇનમાં રહેલો જુનો ગેસ બર્ન થતા આગ લાગ્યાનુ ખુલ્યુ હતુ.પરંતુ ફાયર ટીમની સમય સુચકતાને લઇ કોઇ જાન હાની થઇ ન હતી.