રાજકોટમાં નવીન એઇમ્સનો ધમધમાટઃ રસ્તાનું કામકાજ ડિસેમ્બર સુધી પૂરુ કરવા આદેશ

રાજકોટમાં નિર્માણ પામનાર એઇમ્સ ખાતે પહોંચવા માટે લોકોને સરળતા રહે અને વાહન વ્યવહારની સુવિધા સુદ્રઢ બનાવી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજે મ્યુનિ. કમિશનર અને રૂડા ચેરમેન અમિત અરોરાએ રૂડા વિસ્તારમાં એઇમ્સને જોડતા રોડની, જામનગર રોડથી એઇમ્સને જોડતા જંકશનની (નવા રીંગ રોડની શરૂઆત) અને માધાપર ચોકડીથી મોરબી રોડ થઈને એઇમ્સ સુધીના રાજકોટ મહાનગરપાલિકાની બાઉન્ડ્રીમાં બનતા રોડની ચાલુ કામગીરીની વિઝિટ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પીટલની કામગીરીને ધ્યાને લઇ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એઇમ્સ હોસ્પીટલને જામનગર રોડથી કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજકોટ મહાનગર પાલિકાની હદથી એઇમ્સ હોસ્પીટલ સુધીનાં ૯૦.૦મી ડી.પી. રસ્તાની ૬-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ.૯.૯૩ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એઇમ્સ હોસ્પીટલનાં રોડને મોરબી રોડથી એક વધારાની કનેક્ટીવીટી આપવા માટે જામનગર રોડને સમાંતર ૯૦.૦મી. ડી.પી.રસ્તાને જોડતા ૩૦.૦મી. ડી.પી. રસ્તાની ૪-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ. ૪.૯૫ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે તેમજ જામનગર રોડને સમાંતર ખંઢેરી રેલ્વે સ્ટેશન અને પરાપીપળીયા રોડથી ૩૦.૦મી. ડી.પી રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ. ૯.૧૮ કરોડનાં ખર્ચે સત્તામંડળ દ્વ્રારા પ્રગતિમાં છે. ઉક્ત બંને રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ.૨૪.૦૬ કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ચોકડી થી મોરબી રોડ થઈને એઇમ્સ સુધી જવા માટેનો ૩૦ મીટર પહોળાઈ પૈકી હાલ ૧૮ મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો જેનો અંદાજિત ખર્ચ રૂ. ૮.૮૭ કરોડ છે. આ રોડ પર એક માઈનોર બ્રિજ પણ બનાવવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂ. ૪.૫ કરોડ છે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં આવશે.