રાજ્યામાં ચોમાસાની એન્ટ્રી, આગામી ૪૮ કલાક ભારે!, ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન ૨૦૨૧ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મેઘરાજાના આગમન સાથે જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે ચાર કલાકમાં ૨.૪૪ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. હવે ચોમાસું આગામી ૪૮ કલાકમાં સુરત આવી પહોંચશે. દરમિયાન આગામી ૨૪ કલાક વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ૪ ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, કપરાડામાં બે ઈંચ, અમરેલી, રાજુલામાં એક-એક ઈંચ અને વાપી, ધરમપુર, પારડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધારમણી થઇ ચૂકી છે. વહેલી સવારે વલસાડના કપરાડામાં મેઘરાજાએ સત્તાવાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાના આગમન સાથે જ વલસાડમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. વલસાડના મોટાભાગના તાલુકાઓમાં ઓછો વત્તો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વલસાડનું ચેરાપૂંજી ગણાતા કપરાડામાં ચાર કલાકમાં ૨.૪૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં ૧૪ મી.મી., ઉમરગામમાં ૧૬ મી.મી., ધરમપુર ૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. ચોમાસું સુરત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના આગાહી અનુસાર સુરતીઓને આગામી ૪૮ કલાકમાં આકરી ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી સંભાવના છે. કેમકે, ચોમાસું ૪૮ કલાકમાં સુરત દસ્તક આપશે.

મોન્સૂનના આગમન વચ્ચે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી તેવી સંભાવના છે. બીજી તરફ બુધવારે સુરતમાં સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું, પરંતુ ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. જ્યારે વાંસદા તાલુકામાં બપોરે ૦૨ વાગ્યા બાદ વરસાદ તૂટી પડયો હતો. સાંજ સુધીમાં વાંસદામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડમાં ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને પગલે કપરાડાના મનાલા ગામના આલ્યા ફળિયામાં આવેલો કૂવો ધસી પડયો હતો. ૧૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલો ૪૫ ફૂટ ઊંડા કુવામાંથી ગામના ૨૦૦થી વધુ પરિવારો રોજિંદા વપરાશનું પાણી મેળવતા હતા. દરમિયાન એકાએક કૂવો ધસી પડતાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.