મોન્સૂનનું આગમનઃ જૂનના અંતમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે

Spread the love

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે ૧૪ જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે ૨૦ જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. એની સાથે જ ૧૨થી ૧૫ જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.

આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં ૯૮થી ૧૦૨ ટકા વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્‌ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૭ ડીગ્રી વધીને ૩૯.૦ ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં ૦.૪ ડીગ્રી વધીને ૨૮.૪ ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.

અમદાવાદ સહિત રાજ્યનાં ૮ શહેરમાં ગરમીનો પારો ૩૮ ડીગ્રી કે એનાથી વધુ નોંધાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં ૩૯.૮ ડીગ્રી સાથે ડીસા, ૩૯.૭ ડિગ્રી સાથે કંડલા પોર્ટ અને ૩૯.૪ ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

જે મુજબ ૧૧મી જૂનથી ૧૩મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ૧૧-૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં ૮ જૂન સુધી ૩૩.૬ મિમી વરસાદ નોંધાયો છે, ૧થી ૮ જૂન સુધી નોંધાતાં એવરેજ વરસાદ (૨૮.૩ મિમી)થી ૧૮% (૫.૩ મિમી) વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *