કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી

બોલીવુડ ક્વીન તારીકી જાણીતી અને પંગા ગર્લ તરીકે ચર્ચામાં રહેનાર કંગના રનૌત આ દિવસોમાં કોઈ અલગ વિષય પર ચર્ચામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે કંગના તેની ફિલ્મો કરતા પણ વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. જો કે તેનું ટ્‌વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ વિવાદો થંભી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કંગના આજકાલ ઈન્સ્ટા પર વધુ સક્રિય રહે છે. અભિનેત્રી હાલમાં મનાલીમાં પોતાના ઘરે છે.

વિવાદોથી ઘેરાયેલી રહેતી કંગના આજ કાલ સામાજિક મેસેજ આપતી જોવા મળી રહી છે. હાલમાં કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને તેની પોસ્ટ થકી એક ખાસ અપીલ કરી છે. આ પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

કંગનાએ તાજેતરમાં જ તેના ઘરના આંગણામાં રોપાઓ રોપતી વખતની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કંગના છોડ વાવતી વખતે ખુશ જોવા મળી રહી છે. તસવીરો સાથે કંગનાએ તમામ લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી છે. કંગનાએ આ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેણે તેના ઘરના આંગણામાં ૨૦ રોપાઓ રોપ્યા છે.

કંગનાએ તસ્વીરના કેપ્શનમાં લખ્યું, ‘આજે મેં ૨૦ ઝાડ વાવ્યા, આપણે હંમેશા પૂછીએ છીએ કે આપણને શું મળ્યું, પરંતુ લોકોએ પણ પોતાને પૂછવું જોઈએ કે આપણે આ પૃથ્વીને શું આપ્યું. તાઉ’ તે તોફાનને કારણે ૫૦ હજારથી વધુ વૃક્ષો ગુજરાતમાં અને ૭૦ ટકા વૃક્ષો મુંબઇમાં ધરાશાયી થઇ ગયા છે. ઝાડ મોટું થવામાં ઘણા દાયકા વીતી જાય છે. આપણે દર વર્ષે વૃક્ષોને કેવી રીતે ગુમાવી શકીએ. આ વૃક્ષોની અછત કેવી રીતે પૂરી થશે? આપણા શહેરોને કોંક્રીટ જંગલો બનતા આપણે કેવી રીતે રોકી શકીએ? આપણે પોતાને પૂછવું જોઈએ, શું આપણે સરકારને યોગ્ય પ્રશ્નો પૂછ્યા? આપણે આપણા દેશને શું આપ્યું? ‘

કંગનાએ મુંબઈ અને ગુજરાત સરકારને અપીલ કરતા કહ્યું, ‘હું મુંબઈ અને ગુજરાત સરકારને વધુને વધુ લીમડા, પીપળા અને વડનું વૃક્ષારોપણ કરવા પ્રાર્થના કરું છું. આ ઝાડમાં દવા જેવી શક્તિ હોય છે. તેઓ માત્ર હવા અને પાણીને સાફ જ નથી કરતા, પણ આપણને ઓક્સિજન પણ આપે છે. આપણે આપણા શહેરોને બચાવવા જોઈએ, આપણે વૃક્ષો અને છોડને બચાવવા જોઈએ, આ એકમાત્ર રસ્તો છે જેનાથી આપણે પોતાને પણ બચાવી શકીશું.