નગરજનોને સૂકો અને ભીનો કચરો અલગ તારવીને આપવા જાહેરાત કરાઇ

સ્વચ્છ અને સુંદર શહેરની ઓળખ ધરાવતા ગાંધીનગરના નગરજનો પાસેથી દરરોજ ૧૦૦ ટનથી વધુ કચરો ડોર ટુ ડોર કોર્પોરેશન દ્વારા એકત્રિત કરવામાં આવે છે. ત્યારે નગરજનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ તારવીને આપે તે માટે કોર્પોરેશન દ્વારા માઇક પર એનાઉન્સમેન્ટ કરીને સૂકા ભીના કચરાના સ્ટીકરની વહેંચણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કચરો લીલા વાદળી રંગની કચરાપેટીમાં નહીં આપનાર ઘરની કચરો ઉપાડવાની સેવા સ્થગિત કરી દેવામાં આવશે.

ગાંધીનગરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત કચરો ઉત્પન્ન કરનાર દ્વારા જ કચરાને અલગ અલગ એકત્ર તેમજ સંગ્રહ કરવાનો રહેતો હોય છે. તેમ છતાં ઘણા લોકો સૂકો અને ભીનો કચરો એકજ કચરા ટોપલીમાં નાખી દઈ કોર્પોરેશનને પધરાવી દેતા હોય છે. ગાંધીનગરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવા કચરાની ગાડીઓ ફરતી રહે છે. નગરજનોને છાશવારે સૂકો ભીનો કચરો અલગથી એકત્ર કરવા અનેક વખત હાકલ કરવામાં આવે છે પણ તેને જાેઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર ધ્વારા માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે. આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ડો. ધવલ પટેલે પણ પત્રિકાઓ વહેતી કરી નાગરિકોને અપીલ કરી છે કે ગાંધીનગર શહેરમાં દરરોજ અંદાજિત ૧૦૦ ટનથી વધુ કચરો ઉત્પન્ન થાય છે. કચરાને મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરાય છે. જેમાં નોન બાયોડીગ્રેડેબલ એટલેકે સૂકો કચરાનો ઉપયોગ ખાતર બનાવવામાં માટે કરાઈ રહ્યો છે.

મોટાભાગના સૂકા કચરાને રિસાઇકલ કે રીયુઝ કરી શકાય છે જેથી નગરજનોએ સુકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં એકઠો કરીને આપવો જોઈએ. નગરજનોને કચરો અલગ અલગ તારવવા માટે આજે લીલા અને વાદળી રંગના સ્ટીકરની પણ વહેંચણી કરાઈ છે. જેથી ભીનો કચરો લીલા રંગની અને સૂકો કચરો વાદળી રંગની કચરા પેટીમાં જ આપવો પડશે. આગામી દિવસોમાં આ પ્રકારે કચરો નહીં આપવામાં આવે તો તે ઘર ની ડોર ટુ ડોર કચરો કલેક્શનની સેવા સ્થગિત પણ કરી દેવામાં આવનાર છે.