ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે ગીર અભ્યારણ્યમાં રહેલા એશિયાઈ સિંહ સહિતના વન્યજીવોના હરવાફરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.

એશિયાઈ સિંહોના રહેઠાણ કહેવાતા આ જંગલમાં જમીનદોસ્ત થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી ૧૯૮૨માં થયેલા કાર્ય કરતાં મોટી હશે. તૌકતેના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાનું કામ આગામી ૩-૪ વર્ષ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૨માં વાવાઝોડું આવ્યું ત્યારે અંદાજિત ૨૮.૧ લાખ વૃક્ષો ઉખડી ગયા હતા.

ગુજરાતમાં મે મહિનામાં ત્રાટકેલા વાવાઝોડના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની યોજના અમે બનાવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે, ઉખડી ગયેલા વૃક્ષોનો આંકડો ૩૦થી ૪૦ લાખની વચ્ચે હોઈ શકે છે. આ વર્ષે થયેલું નુકસાન ૧૯૮૨ કરતાં વધારે છે. નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે અમે ઊંડાણપૂર્વકનો સર્વે હાથ ધરીશું અને આ વિસ્તારોમાં કેવી રીતે સફાઈ કરવી તેની યોજના તૈયાર કરીશું”, તેમ મુખ્ય વન સંરક્ષક (જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલ) દુષ્યંત વસાવડાએ જણાવ્યું.

દુષ્યંત વસાવડાના કહેવા અનુસાર, પડી ગયેલા વૃક્ષોને કાપીને અભયારણ્યની અંદર જ્યાં જરૂર હોય ત્યાં અને ઢગલો કરીને મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય વાઈલ્ડલાઈફ બોર્ડ તરફથી આ લાકડાઓનું આગળ શું કરવું તે અંગેનું જરૂરી ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી જંગલમાં જ રાખવામાં આવશે.