ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે.

ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, વલ્લભીપુર અને ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર સહિત સમગ્ર પંથકમાં અવિરત ત્રીજા દિવસે મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. વાવણીલાયક વરસાદ થતા જગતનો તાત ખુશ થઇ ગયા છે. જ્યારે ઉમરાળા, પાલિતાણા અને સિહોર પંથકમાં એક એક ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા અને વલ્લભીપુર પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં વર્ષનો સરેરાશ વરસાદ ૫૯૫ મી.મી. છે. તેની સામે પ્રારંભે જ ૮૦ મી.મી. વરસાદ થઈ જતા, ચોમાસાની સિઝનના કુલ વરસાદના ૧૩.૯૬ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતા અને કચ્છના અંજારમાં ૫.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જુનાગઢના માંગરોળ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૨ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ છે. રાજ્યના ૨૩ તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના ૭૪ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે ૬ઃ૦૦ થી ૮ઃ૦૦ સુધીમાં રાજ્યના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે ૧૨ તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ છે.

ભાવનગર શહેરમાં બપોર બાદ અડધો ઇંચથી જેટલો વરસાદ થયો હતો. જ્યારે જિલ્લાના ઉમરાળા પર મેઘરાજાએ પોતાનું હેત વરસાવતા ૧ ઇંચવી વધુ વરસાદ થયો હતો. સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. જેથી ઉમરાળામાં હવે ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે. જ્યારે પાલિતાણા અને સિહોરમાં પણ ૧ ઇંચ જેટલો વરસાદ થયો હતો.

જિલ્લાના ઘોઘા અને વલ્લભીપુર પંથકમાં અડધો ઇંચ અને ગારિયાધારમાં ૧૩ મી.મી. વરસાદ થયો હતો. જ્યારે સમગ્ર જિલ્લામાં સરેરાશ સૌથી વધુ વરસાદ  ગારિયાધારમાં ૧૪૨ મી.મી. નોંધાયો છે.