૧૯-૨૦ મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું,૩૫-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પણ પહોંચી ગયો હતો. બે-ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, ૧૬મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. જોકે, હજુ વાવાઝોડું સક્રિય થયું નથી. સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવશે.

હવામાન ખાતા દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે, ૧૪મી મેના રોજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. જેના કારણે દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ૧૪મી મે સુધી એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. લો પ્રેશર બનવાની ગતિવિધી પર હવામાન ખાતા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ ૧૬મી મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી ૨૦ મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ ૨૦૨૧નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ‘ટૌકાતે’ નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.

ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. ૧૪ મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.