મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

Spread the love

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  મુંબઈવાસીઓએ તેનો આનંદ ઉઠાવ્યો હતો. હવામાન વિભાગના મતે મુંબઈમાં પ્રી-મોનસૂન પ્રક્રિયા અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે. ૧૧ વાગ્યા સુધીમાં માલવણી, બોરીવલી અને દહીસરમાં ૩૦ એમએમ સુધી વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન ખાતાએ મુંબઇમાં આગામી ૨-૩ દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે.

મુંબઈના કુર્લા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. જો કે હવામાન વિભાગના મતે હજી સુધી રાજ્યમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ નથી થયો અને ચોમાસુ હાલમાં રત્નાગીરી જિલ્લામાં હરનાઈ પોર્ટ પહોંચ્યું છે. મુંબઈ સુધી ચોમાસાને પહોંચતા થોડો સમય લાગી શકે છે. સ્થાનિક હવામાન કેન્દ્રના વડાએ જણાવ્યા મુજબ મુંબઈમાં પ્રી-મોનસૂન વરસાદી ઝાપટા પડ્યા છે. ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અને તેની તીવ્રતામાં પણ વધઘટ નોંધાઈ છે.

મુંબઈના કેટલાક વિસ્તારોમાં જ વરસાદ પડ્યો છે જેથી આને સત્તાવાર ચોમાસાનો પ્રારંભ નહીં ગણી શકાય. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વ્યાપક વરસાદ પડશે ત્યારે જ મેઘરાજાની એન્ટ્રી થઈ ગણાશે. એક અંદાજ મુજબ ૧૦ જૂનના રોજ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસશે. અરબી સમુદ્રમાં ગતિવિધી જોવા મળી રહી છે પરંતુ તે નબળી છે જો મજબૂત ગતિવિધિ જણાય તો ચોમાસુ બેસી ગયું ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *