આનંદોઃ આજથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશે

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી રૂપાણીએ કિસાન હિતકારી અંગે વધુ એક સંવેદનાપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં ૧૯.૨૫ ટકા એટલે કે ૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે. તેવામાં જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં એક જુલાઇએ પારો ૪૩.૫ ડિગ્રીને સ્પર્શી ગયો છે. ૯ વર્ષમાં આવું પહેલીવાર છે કે, ગરમી આ દિવસે આટલા ઉંચા લેવલ સુધી પહોંચી હોય.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઇ છે પરંતુ તેમ છતાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં હજી વરસાદ પડવાના કોઈ જ વાવડ નથી. રાજ્યમાં સાત જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો વળી સૌરાષ્ટ્રમાં ૮ અને ૯મી તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે.