જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.  

વિગતે પ્રમાણે ભાદર નદીના કાંઠે આવેલા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ ભાદર નદીને પ્રદુષિત કરવાની કામગીરી રાત્રીના સમયે ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવે છે. આ બાબતે સતત વોચ રાખી પ્રાદેશિક કચેરી જેતપુરના અધિકારીઓ દ્વારા મે. ઇકો બાયોફ્યુઅલ નામની ફેકટરીની અંદર પ્રદુષિત પાણીથી ભરેલ ટેંકર ગ્રામજનોની હાજરીમાં પકડી પાડવામાં આવ્યું હતુ તથા તેમાંથી ગંદાપાણીના નમૂનાઓ એકત્રીત કરવામા આવ્યા હતા. આ ટેન્કરના ડ્રાઇવર, ટેન્કર માલિક, પ્રદુષિત પાણીને લાવનાર તથા પ્રદુષિત પાણી ટેન્કર મારફતે મોકલનાર તમામ સામે જુદી જુદી કલમો હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામા આવી છે.

આ ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત તારીખ  21 જુલાઇના રોજ મે. ઇકો બાયોફ્યુઅલને પાણી પ્રદુષણણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974ની કલમ 33 એ હેઠળ ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તથા ઇન્ટ્રીમ એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન (Interim EDC) પેટે રૂ. 25,00,000નો દંડ કરવામાં આવ્યો છે.