અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઓદ્યૌગિક વસાહતની ચાર કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી

ચોમાસાની ઋતુનો ગેરફાયદો ઉઠાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી વસાહતમાં તેમજ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે, જેને લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આવા એકમો સામે લાલ આંખ કરી છે. 

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંકલેશ્વર  ખાતેની પ્રાદેશિક કચેરીની ટીમ દ્વારા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહત તેમજ આમલાખાડી સહિત તમામ વિસ્તારોનું મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઝઘડિયાની ગુલશન પોલિઓલ્સ, પાનોલીની એંજલ કેમિકલ અને અંકલેશ્વરની શ્રીજી કેમિકલ અને સિલિકોન કંપનીને પ્રદૂષણ ફેલાવતા એકમો તરીકે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે વરસાદી માહોલનો લાભ લઇને અનેક કંપનીઓ પોતાના એકમોનું પ્રદૂષિત પાણી આડેધડ રીતે વરસાદી પાણી સાથે છોડી જતા હોય છે જેના લીધે જમીન અને જળને ભારે નુકસાન થાય છે.

દર વર્ષે આવી ગંભીર ફરિયાદો આવે છે જેને લઇને એક્શન પ્લાન અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા ઘડવામાં આવ્યો છે. જે સંદર્ભે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચોમાસામાં આ બાબતે વિશેષ મોનિટરિંગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને રેગ્યુલર દ્વારા મોનિટરિંગ કરાશે. દિવસ દરમિયાન પણ અને રાત્રે પણ મોનિટરિંગ અવિરત પણે કરવામાં આવશે જે દરમિયાન જે કોઈપણ ઉદ્યોગ આ રીતે પોતાના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી છોડતા પકડાય એની સામે ગંભીર અને કડક પગલા લેવામાં આવશે – તેમ અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી આર. આર. વ્યાસે જણાવ્યું હતું.

નોંધનીય છે કે નિયંત્રણ બોર્ડ દ્વારા ચોમાસાની ઋતુનો લાભ લઈને ગેરકાયદેસર રીતે પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હજુ પણ આગામી દિવસોમાં કેટલીક કંપનીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રડારમાં છે. બોર્ડના આ કડક પગલા થી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.