વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા 10થી 12 જેટલા ફાયર ફાઈટરો સાથે ફાયર વિભાગના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

પેપર મીલમાં લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ઇસ્કોન ક્રાફટ પેપર મીલ માલિકના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. શનિવારે સવાર સુધી ફાયર વિભાગના કર્મીઓ આગ પર પાણીનો મારો ચલાવી રહેલા નજરે પડ્યા હતા. ભાષણ આગના પગલે આકાશમાં ધુમાડાના ગોટા પણ નજરે પડ્યા હતા. લગભગ ત્રણથી ચાર ફાયર ફાયટરો ઘટનાસ્થળે નજરે પડ્યા હતા.