ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકીઃ તમામ દર્દીઓ સુરક્ષિત

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. જેને કારણે ૭૦થી વધુ દર્દીઓને અન્ય સ્થળે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા દર્દીઓનું રેસક્યૂ કરવામાં આવતા મોટી જાનહાની ટળી હતી.

ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને સમર્પણ કોવિડ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ હોટલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યૂનિટમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગી હતી. જે બાદ કોવિડ સેન્ટરમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયરબ્રિગેડના અધિકારીઓ અનુસાર, આગને કાબુમાં લીધા બાદ કોવિડ સેન્ટરમાં રહેલા ૭૦ જેટલા કોરોનાના દર્દીઓને ૧૦૮ની ૮ ગાડી, ફાયરની ૨ ગાડીમાં ખાનગી સર તખ્તસિંહજી હોસ્પિટલ તેમજ લેપ્રેસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.