નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ગત મધરાત્રે આગના બનાવને કારણે ભારે અફડાતફડી સર્જાઇ હતી. શહેરના મીલ રોડ પર આવેલ એક બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસની દુકાનો અને ફ્લેટમાં તેની અસર જાેવા મળી હતી. જેના કારણે મધરાતે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પરંતુ મોટુ નુકશાન થયું છે.

નડિયાદ શહેરના મીલ રોડ પર આવેલ મધુકર એપાર્ટમેન્ટની બાજુમાં બજરંગ ટ્રેડિંગ નામનું બારદાનનું ગોડાઉન આવેલ છે. ગત મધરાત્રે આ ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. જાેતજાેતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલ ફ્લેટ અને આસપાસના દુકાનોમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. જેથી સ્થાનિકોને આ આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની મદદ મેળવાઈ હતી. નડિયાદ ફાયરબ્રિગેડની ૭ જેટલી ગાડીઓ દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. જાેકે તે બાદ પણ આગ કાબુમાં નહીં આવતાં આણંદ, વિદ્યાનગરની ફાયર ટીમની મદદ લેવાઈ હતી. આશરે ૪ ક્લાકની ભારે જહેમત બાદ લાગેલ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે.

આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પરંતુ બારદાનના ગોડાઉનમાં મોટુ નુકસાન થયું હોવાના અહેવાલ સૂત્રો પાસેથી મળી રહ્યા છે. આ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આ આગના બનાવમાં નજીકની એક દુકાનનો કેટલોક ભાગ પણ લપેટમાં આવી જતાં ત્યાં પણ મોટુ નુકશાન થયું છે.