અર્થ અવરઃ દિલ્હીવાસીઓએ ૩૩૪ મેગાવોટ વીજળી બચાવી

પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક સુધી બિનજરૂરી લાઈટ્‌સ અને વીજ ઉપકરણો બંધ રાખ્યા હતા. સ્વેચ્છાએ અર્થ અવરમાં સામેલ થયેલા દિલ્હીવાસીઓએ ૩૩૪ મેગાવોટ વીજળી બચાવી હતી. જ્યારે ગત વર્ષે લોકડાઉન દરમિયાન લોકોએ પોતાના ઘરે અને કાર્યસ્થળોએ બિનજરૂરી લાઈટ્‌સ અને વીજ ઉપકરણો બંધ કરીને ૭૯ મેગાવોટ વીજળી બચાવી હતી.
અર્થ અવર દરમિયાન ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, મંદિરો અને અન્ય સરકારી કાર્યાલયોની લાઈટ અને વીજ ઉપકરણો બંધ કરવામાં આવ્યા હતા.

લોકોએ પોતાના ઘર અને કાર્યસ્થળોએ બિનજરૂરી લાઈટ્‌સ અને વીજ ઉપકરણો બંધ કરી દીધા હતા. કોરોના જેવી મહામારી દરમિયાન ચોંકાવનારા જળવાયુ પરિવર્તને ધરતીનું સંકટ વધારી દીધું છે. અચાનક બદલાતું વાતાવરણ, તાપમાન, અણધાર્યો વરસાદ અને કમોસમી આંધી-તોફાનથી સચેત દિલ્હીવાસીઓએ અર્થ અવરમાં ભાગ લીધો હતો.

દિલ્હીમાં વીજ વિતરણ કરતી ટાટા પાવર કંપનીએ પોતાના વિસ્તારમાં ૭૧ મેગાવોટ વીજળીની બચત કરી હતી. તે ઉપરાંત બીઆરપીએલએ ૧૨૦ મેગાવોટ, બીવાયપીએલએ ૭૯ મેગાવોટ વીજળીની બચત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્ચ મહિનાનો અંતિમ શનિવાર અર્થ અવર તરીકે ઉજવાય છે. તેમાં વિશ્વના ૧૮૦ કરતા વધારે દેશોના લોકો રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક દરમિયાન પોતાના ઘરોની લાઈટ બંધ કરીને ઉર્જાની બચત કરે છે.