કોરોનાનો અંત હજુ ઘણો દૂર છે ડબલ્યુએચઓના વડાએ ચેતવ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસસે કહ્યું કે, ભલે દુનિયામાં અત્યાર સુધી કોરોનાની રસીના ૭૮ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે, પરંતુ મહામારીનોઅંત અત્યારે પણ ઘણો દૂર છે. હાલ જાહેર સ્વાસ્થ્ય સંબંધિત કડક પગલાં ભરીને કેટલાક મહિનાઓમાં આને કાબૂમાં લઇ શકાય છે. અત્યાર સુધી દુનિયામાં  ૧૩,૬૫,૦૦,૪૦૦ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે અને ૨૯,૪૪,૫૦૦નાં મોત થયા છે.

ડબલ્યુએચઓના પ્રમુખનું કહેવું છે કે, દુનિયાભરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સતત છ અઠવાડિયા સુધી સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો. હવે અમે સતત સાત અઠવાડિયાથી કેસમાં વૃદ્ધિ જોઇ રહ્યાં છે અને ચાર અઠવાડિયાથી મોતનાં આંકડા વધી રહ્યાં છે. ગયા અઠવાડિયે સૌથી વધુ કેસ સામે આવ્યા. આ પહેલાં ત્રણ વખત આનાથી વધુ કેસ આવ્યા છે. એશિયા અને પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં કેસમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રેબેયસસે જેનેવામાં પત્રકારોને કહ્યું કે, દુનિયામાં કોવિડ-૧૯ની રસીના ૭૮ કરોડથી વધુ ડોઝ અપાયા છે. રસી શક્તિશાળી હથિયાર તો છે, પરંતુ આ એકમાત્ર હથિયાર નથી.

તેમણે કહ્યું કે, સામાજિક અંતર, માસ્કર પહેરવું, વેન્ટિલેશન કારગર છે. દેખરેખ, તપાસ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવી વગેરે સંક્રમણને પહોંચી વળવા અને લોકોના જીવન બચાવવાના ઉપાય છે. તેમણે ચેતવણી આપી છે કે, મહામારીનો અંત દૂર છે, પરંતુ દુનિયા પાસે આશાવાદી થવાના ઘણા કારણ છે.