કોરોના વાયરસ હવાથી ફેલાય છેઃ સરકારે નવા કોવિડ પ્રોટોકલ જાહેર કર્યા

ભારતમાં બીજી લહેર દરમિયાન સરકારે એકવાર ફરીથી કોવિડના પ્રોટોકોલમાં બદલાવ કર્યો છે. સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ હવા દ્વારા ફેલાય છે. બુધવારના સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી જાણકારીને પણ સામેલ કરવામાં આવી છે. સરકારે કોવિડના નવા પ્રોટોકોલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની જાણકારીને સામેલ કરી. આમાં કહેવામાં આવી રહ્યું હતુ કે, Sars-Cov-2 હવા દ્વારા ફેલાઈ શકે છે. આ ઉપરાંત નવા નિયમોમાં સરકારે સ્ટીરોઇડ, રેમડેસિવિર અને ટોસીલિજુમેબ દવાનો યોગ્ય ઉપયોગ કરવાની વાત કહી છે.

સરકારે સાજા થયા બાદ સમસ્યાઓથી બચવા માટે આ દવાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું કહ્યું છે. નિષ્ણાતો સંભાવના વ્યક્ત કરી રહ્યા હતા કે કોવિડ-૧૯નો સામનો કરી રહેલા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહેલા સ્ટીરોઇડ બ્લેક ફંગસનું મોટું કારણ બની શકે છે. દેશમાં સતત મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાન, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આ દુર્લભ ફંગલ ઇન્ફેક્શનને મહામારી જાહેર કરવામાં આવી છે.

થોડાક દિવસ પહેલા એમ્સના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ પણ સ્ટીરોઈડનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં રિકવરી રેટ વધીને ૮૯.૬૬ ટકા પર પહોંચી ગયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૧.૪૫ ટકા અને દૈનિક દર ૯.૪૨ ટકા પર છે. સતત ૨ દિવસથી પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઓછો થયો છે.