ચીનમાં ફરી કોરોનાનો કહેર, વુહાનથી પણ ખરાબ સ્થિતિમાં નાનજિંગ શહેર

Spread the love

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, જે બાદ અહીં સખત પ્રતિબંધો લાગુ કરાયા હતા. હવે ચીનના નાનજિંગ શહેરમાં એક વખત ફરી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, અહીં સ્થિતિ વુહાન કરતાં પણ ખરાબ થઇ ગઇ છે. વાયરસ નાનજિંગથી ચીનના પાંચ પ્રાંતો અને બેઇજિંગ સુધી પહોંચી ગયો છે.

નાનજિંગ શહેરમાં ૨૦ જુલાઇએ કોરોના વાયરસનો નવો કેસ મળ્યો હતો. જે બાદ ચીને અહીં સખત પ્રતિબંધો લાગુ કર્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ૧૧ ઓગસ્ટ સુધી નાનજિંગ એરપોર્ટની તમામ ફ્લાઇટ્‌સ રદ કરાઇ હતી અને શહેરમાં કોરોનાની તપાસ શરૂ કરાઇ હતી.

શહેરમાં ૯૩ લાખની વસ્તી છે અને આ તમામની કોરોના તપાસ કરાશે. આમાં તે લોકો પણ સામેલ થશે જે લોકો આ થોડા સમય માટે આ શહેરમાં આવ્યા છે. જ્યારે તંત્રે કોરોનાની તપાસ કરાવવા જઇ રહેલાં લોકોને માસ્ક પહેરવા અને એક મીટરનું અંતર રાખવા અપીલ કરી છે. સાથે જ જણાવ્યું છે કે, લાઇનમાં ઉભા રહેતાં સમયે કોઇની સાથે વાત ન કરો.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, નાનજિંગ શહેરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવવા પાછળ ડેલ્ટા વેરિયન્ટનો હાથ છે. આ ઉપરાંત નાનજિંગ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. અહીં વાયરસને પ્રથમ કેસ એરપોર્ટ પર જ મળ્યો હતો. નાનજિંગ સ્વાસ્થ્ય અધિકારી અનુસાર, પ્રથમ વખત આ વાયરસ એરપોર્ટ પર કામ કરનારા ક્લીનર્સમાં મળ્યો હતો, જેણે રૂસથી આવેલા એક વિમાનની સફાઇ કરી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે, આ વાયરસ ચીનની રાજધાની બેઇજિંગ અને ચેંગદુ સહિત ૧૩ શહેરોમાં ફેલાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *