ક્લાઇમેટ ચેન્જને કારણે લક્ષદ્વીપ પર મંડરાઈ રહ્યું છે સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ

ભારત અને દુનિયાના સુંદર દ્વીપોમાંથી એક લક્ષદ્વીપ પર મંડરાઈ રહ્યું છે સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ. હાલમાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, આવનારા કેટલાક વર્ષોમાં આ દ્વીપ સમૂહની ચારેબાજુ સમુદ્રનું જળસ્તર ૦.૪ મિમીથી ૦.૯ મિમી પ્રતિવર્ષ પ્રમાણે વધશે. આ ક્લાઈમેટ ચેન્જના કારણે થઈ રહ્યું છે. જેની પાછળ કારણ છે ગ્રીનહાઉસ ગેસોનું ઝડપથી ઉત્સર્જન. લક્ષદ્વીપનો જો કોઈ હિસ્સો સૌથી વધુ જોખમમાં હોય તો તે છે તેનું અગત્તી એરપોર્ટ. જે એક લાંબા દ્વીપ પર બન્યું છે, પરંતુ તે સમુદ્રથી વધુ ઉપર નથી. ત્યારબાદ આ દ્વીપ સમૂહના રહેણાંક વિસ્તારો ચપેટમાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એન્ડ રીજનલ પ્લાનિંગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઓશન એન્જિનિયરીંગ એન્ડ નેવલ આર્કિટેક્ચર, IIT ખડગપુર અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓએ આ સ્ટડી કરી છે. તેમાં આયશા જેનાથ, અથિરા કૃષ્ણન, સૈકત કુમાર પોલ, પ્રસાદ ભાસ્કરન સામેલ છે. આ સ્ટડીને ભારત સરકારના જળવાયુ પરિવર્તન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.

આ સ્ટડીમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ચેતલાટ અને અમિની જેવા નાના દ્વીપો પર મોટા પાયા પર ભૂમિ- નુકસાનની આશંકા છે. સ્ટડીમાં સામેલ પ્રોજેક્શન મેપિંગ અનુસાર, સમુદ્રી જળસ્તર વધવાથી અમિનીના તટ ૬૦થી ૭૦ ટકા અને ચેતલાટના તટ ૭૦થી ૮૦ ટકા જળમગ્ન થઈ જશે. એટલે કે તેના પર રહેતા લોકોએ બીજે ક્યાંક જવુ પડશે. કારણ કે સમુદ્રનું જળસ્તર વધશે તો દ્વીપ પાણીની અંદર ચાલ્યા જશે. આ સ્ટડીમાં એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે, મિનિકોય જેવા મોટા દ્વીપ અને આ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની કવરત્તી પણ સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ પ્રત્યે સંવેદનશીલ છે. તેની હાજરી તટરેખામાં પણ લગભગ ૬૦ ટકા ભૂમિનું નુકસાન થવાની આશંકા છે. જોકે, તમામ ઉત્સર્જન પરિદ્રશ્યો અંતર્ગત એન્ડ્રોથ દ્વીપ પર સમુદ્રના સ્તરમાં વૃદ્ધિનો સૌથી ઓછો પ્રભાવ જણાવવામાં આવી રહ્યો છે.

જર્નલ રીજનલ સ્ટડીઝ ઈન મરીન સાયન્સ, ઈલ્સેવિયરમાં હાલમાં જ પ્રકાશિત શોધ પરથી જાણવા મળ્યું છે કે, તટોના ડૂબવાનો વ્યાપક સામાજિક- આર્થિક પ્રભાવ પડી શકે છે. આ દળ અનુસાર, સમુદ્રના સ્તરમાં વૃદ્ધિના કારણે તટો પર રહેતા દ્વીપવાસી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે વર્તમાનમાં ઘણા આવાસીય ક્ષેત્ર સમુદ્ર તટની ખૂબ જ નજીક છે. દ્વીપસમૂહનું એકમાત્ર એરપોર્ટ અગત્તી દ્વીપના દક્ષિણી છેડા પર સ્થિત છે. સમુદ્રના સ્તરમાં વૃદ્ધિથી અહીં પૂર આવી શકે છે, જેને કારણે સૌથી વધુ ક્ષતિ થવાની આશંકા છે. આ સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોની સલાહ છે કે, લક્ષદ્વીપ માટે સમુદ્ર સ્તરમાં અનુમાનિત વૃદ્ધિના પ્રભાવોને ધ્યાનમાં રાખીને, યોજના દિશાનિર્દેશ તૈયાર કરવા માટે ઉપયુક્ત તટીય ઉપાયો અને સર્વોત્તમ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને અપનાવવા ખૂબ જ આવશ્યક છે.

આ સ્ટડીમાં માત્ર સમુદ્રના જળસ્તરના વધવા પર જ ફોકસ કરવામાં નથી આવ્યું, પરંતુ તેની લહેરોથી મળનારી ઉર્જા, અરબ સાગરના તોફાનોના પ્રભાવનું અધ્યયન, જળસ્તરમાં વધારાની અસર, આવાસીય દ્વીપો પર પીવા યોગ્ય પાણીની તંગી સંબંધી મુશ્કેલીઓ, સાફ-સફાઈને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ટડી ભવિષ્યમાં અન્ય ઘણા પ્રકારની સ્ટડીઝ અને રિસર્ચને આગળ વધવામાં મદદ કરી શકે છે. આ સ્ટડીની પોતાની પ્રેક્ટિકલ વેલ્યૂ છે. તેની મદદથી સરકારો અને નીતિ બનાવનારા લોકો યોગ્ય ર્નિણય લઈ શકે છે કે કઈ રીતે સમુદ્રના વધતા જળસ્તરથી લક્ષદ્વીરને બચાવવામાં આવે. કેન્દ્ર સરકારે એવી નીતિઓ બનાવવી પડશે જે નાના અને લાંબા સમય માટે ફાયદાકારક હોય. તેનો લાભ લક્ષદ્વીપ સમૂહ પર રહેતી આબાદીને મળી શકે.

લક્ષદ્વીપ ૩૬ દ્વીપોનો સમૂહ હતો, પરંતુ હવે ૩૫ જ બચ્યા છે. થોડાં સમય પહેલા અહીંનો પરાલી ૧ દ્વીપ સમુદ્રમાં ડૂબી ગયો. આ દ્વીપ સમૂહ સમુદ્રની અંદર રહેલા લક્ષદ્વીપ-માલદીવ્સ-ચાગોસ નામના માઉન્ટેન રેન્જનો ઉપરી હિસ્સો છે. આ પહાડ સમુદ્રની અંદર છે. આ દ્વીપ સમૂહના મુખ્ય દ્વીપ છે કરવત્તી, અગત્તી, મિનિકોય અને અમિની. અગત્તી પર એરપોર્ટ છે, જે કોચ્ચિ સાથે સીધો જોડાય છે. લક્ષદ્વીપ દેશના દક્ષિણ- પશ્ચિમ તટથી આશરે ૪૪૦ કિમી દૂર અરબ સાગરમાં સ્થિત છે. આ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની કરવત્તી છે. તેનું કુલ ક્ષેત્રફળ ૩૨.૬૨ વર્ગ કિલોમીટર છે. અહીં આશરે ૬૫ હજાર લોકો રહે છે. સામાન્યરીતે અહીંના લોકો મલયાલમ અને ઈંગ્લિશ બોલે છે. આ ઉપરાંત, જેસેરી અને ધિવેહી બોલીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.