ભારત બાયોટેક ૧ જૂનથી બાળકો પર ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરશે

ભારત બાયોટેકે ૧-જૂનથી સ્વદેશી કોરોના વિરોધી રસી “કોવૅક્સિન”ના બાળકો પર મેડિકલ ટ્રાયલની યોજના બનાવી છે. હૈદરાબાદ સ્થિત વૅક્સિન બનાવતી કંપનીને તાજેતરમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી ૨ થી ૧૮ વર્ષ સુધીના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઈ છે.

૨૨મી મેના રોજ હૈદરાબાદમાં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારત બાયોટેકના બિઝનેશ ડેવલોપમેન્ટ અને ઈન્ટરનેશનલ એડવોકેસીના પ્રમુખ રચેશ એલ્લાએ કહ્યું કે, બાળકો પર વૅક્સિન ટ્રાયલ ૧-જૂનથી શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ, એલ્લાએ કહ્યું કે, ભારત બાયોટેકને આ વર્ષના જ ત્રિમાસિકમાં લાઈસન્સ મળી શકે છે. ભારત બાયોટેકે કોવેક્સિન માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝશન પાસે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભૂતકાળમાં પણ અમારી કેટલીક પ્રોડક્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝશનની મંજૂરી મળી ચૂકી છે. અમે ત્રીજા અથવા ચોથા ત્રિમાસિકના અંત સુધી કોવેક્સિન માટે મંજૂરી મળવાની આશા રાખી રહ્યાં છીએ.

અગાઉ મે મહિનામાં એક એક્સપર્ટ કમિટીએ ભલામણ કરી હતી કે, ૨થી ૧૮ વયજૂથ પર કોવેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવું જોઈએ. કોરોના સંક્રમણની સંભાવિત ત્રીજી લહેર આવે તે પહેલા જ હેલ્થ એક્સપર્ટ બાળકો માટે અસરકારક અને સુરક્ષિત ડૉઝની માંગ કરી રહ્યાં છે.

ભારતે અત્યાર સુધીમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક વૅક્સિનને જ મંજૂરી આપી છે. જેમાંથી કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સહયોગથી વિક્સાવવામાં આવી છે.