રાજકોટ-ગોંડલ હાઇવે પર કોટન રોલના કારખાનામાં આગ લાગતા ચકચાર

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝના કોટન રોલ બનાવવાના કારખાનામાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આથી ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ૩ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાને કારણે કારખાનામાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગને કારણે મોટા પ્રમાણમાં કોટન રોલનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. તેમજ કારખાનામાં પડેલી મશીનરીને પણ નુકસાન પહોંચતા લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. જાેકે આ આગના બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

રાજકોટમાં સ્પેશિયલ બ્યુરો ઓફિસના પરિસરમાં આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરિસરમાં સુકા ઘાસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઇ જાનહાનિ થઇ નથી.